સનફાર્મા રોડ સહિત ચાર વિસ્તારમાં ઇ-બસ સેવા બંધ થતાં સ્થાનિક રહિશો અને વિદ્યાર્થીઓમાં રોષ

તાંદળજા સ્ટુડન્ટ કાઉન્સિલે બસ રૂટ બંધ થવા મુદ્દે કોર્પોરેશન કચેરીએ રજૂઆત કરી

MailVadodara.com - Outrage-among-local-residents-and-students-over-the-suspension-of-e-bus-services-in-four-areas-including-Sun-Pharma-Road

- 50 ઈલેક્ટ્રિક બસો સામે ચાર્જિંગ સુવિધાની અછતથી વડોદરાની નવી બસ સેવાના આયોજન સામે સવાલ, રૂટ અને ટાઈમટેબલમાં પણ આયોજનનો અભાવ હોવાની ફરિયાદ

- વિદ્યાર્થીઓ અને રહિશોએ બસ સેવા પુનઃ શરૂ કરવાની માગ કરી, વિદ્યાર્થીઓને અન્ય વાહન વ્યવસ્થા પર આધાર રાખવો પડે છે, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી ઉભું કરવાની માગ

વડોદરા શહેરમાં જૂની સિટી બસ સેવામાંથી નવી ઇલેક્ટ્રિક બસ સેવા તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન આગળ વધી રહ્યું છે, પરંતુ આયોજનના અભાવે એક પછી એક સમસ્યાઓ ઊભી થઈ રહી છે.

એક તરફ શહેરમાં 50 ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ પૂરતી ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ નથી. આ ઉપરાંત ઈ-બસના રૂટ અને ટાઈમટેબલને લઈને પણ મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે.

ઈ-બસના આયોજનમાં અભાવ : રૂટ-ટાઈમટેબલના વિવાદ વચ્ચે વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં બસ સેવા બંધ થતાં નાગરિકોમાં રોષ

શહેરના પશ્ચિમ વિસ્તારમાં સનફાર્મા રોડ, તાંદળજા, વાસણા અને ભાયલી વિસ્તારમાં બસ સેવા બંધ થતાં આજે સ્થાનિક રહિશો અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તેમજ અન્ય રહિશો માટે અગાઉ બસ સેવા ઉપયોગી બની રહી હતી. જોકે, ઈલેક્ટ્રિક બસ શરૂ થયા બાદ આ રૂટ બંધ કરવામાં આવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.

બસ રૂટ બંધ થવાથી વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને પડતી મુશ્કેલીને લઈને તાંદળજા સ્ટુડન્ટ કાઉન્સિલના સભ્યો આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યા હતા. ઈલેક્ટ્રિક બસનું સંચાલન કરતા અધિકારી સમક્ષ રજૂઆત કરી આ વિસ્તારમાં ફરી બસ સેવા શરૂ કરવાની માગ કરવામાં આવી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, સનફાર્મા રોડ, તાંદળજા, વાસણા અને ભાયલી વિસ્તારના વિદ્યાર્થીઓ તથા નોકરીયાત વર્ગ માટે જાહેર પરિવહનની સુવિધા મહત્વની છે. રૂટ બંધ થવાથી મુસાફરોને અન્ય વાહન વ્યવસ્થા પર આધાર રાખવાની ફરજ પડી રહી છે.

શહેરમાં ઈ-બસ સેવા શરૂ કર્યા બાદ ચાર્જિંગ સ્ટેશનની અછતનો મુદ્દો પણ સતત ચર્ચામાં છે. 50 ઈલેક્ટ્રિક બસો સામે પૂરતી ચાર્જિંગ સુવિધા ઊભી થઈ શકી નથી. લાંબો સમય પસાર થયા છતાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું યોગ્ય આયોજન ન થતાં બસોના સંચાલન સામે પણ સવાલો ઊભા થયા છે.

આ ઉપરાંત કયા વિસ્તારમાં કયો રૂટ શરૂ કરવો, કયા રૂટને ચાલુ રાખવા અને મુસાફરોની જરૂરિયાત પ્રમાણે ટાઈમટેબલ તૈયાર કરવા બાબતે પણ આયોજનનો અભાવ હોવાની ફરિયાદો છે.

જૂની સિટી બસમાંથી ઈલેક્ટ્રિક બસ તરફના પરિવર્તનનો હેતુ વધુ સારી અને સુવિધાજનક જાહેર પરિવહન સેવા આપવાનો છે. પરંતુ જો નવા ઈ-બસના આયોજનમાં જૂના રૂટ બંધ થતાં મુસાફરોને જ મુશ્કેલી પડે તો સમગ્ર વ્યવસ્થા સામે સવાલો ઊભા થાય છે. ચાર્જિંગ સ્ટેશન, રૂટ અને ટાઈમટેબલ સહિતના પ્રશ્નોનો યુદ્ધના ધોરણે નિકાલ લાવી મુસાફરોને સરળ અને સતત બસ સેવા મળી રહે તે માટે તંત્રએ તાત્કાલિક આયોજન કરવાની જરૂર છે.  

Share :

Leave a Comments