રાવપુરાના રાજા ગણેશજીની આગમન યાત્રામાં જાહેરમાં મારામારી કરનાર 6 યુવાનો ઝડપાયા

હિંસક મારામારીનો વીડિયો વાયરલ થતાં રાવપુરા પોલીસે ઓળખ કરી આરોપીને દબોચી લીધા

MailVadodara.com - Six-youths-apprehended-for-publicly-fighting-during-the-arrival-procession-of-the-Ravpura-no-Raja-Ganesh-idol

- ઝડપાયેલા આરોપીઓએ કાન પકડીને ઉઠક બેઠક કરી હતી અને માફી માગી હતી

વડોદરા રાવપુરાના રાજા ગણેશજીની આગમન યાત્રા દરમિયાન જાહેરમાં મારામારીની ઘટનામાં પોલીસે 6 યુવાનની અટકાયત કરી છે. આ યાત્રા દરમિયાન થયેલી હિંસક મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આ મામલે તપાસ હાથ ધરીને ગુનામાં સંડોવાયેલા ઈસમોને ઝડપી પાડવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.

શહેરમાં સૌપ્રથમ ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી. આ યાત્રામાં કેટલાક અસામાજિક તત્વોએ જાહેરમાં મારામારી કરી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગેનો વીડિયો વાયરલ થયો હતો. રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. રાવપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો ફુટેજ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી ઘટના સ્થળે બબાલ કરનારા આરોપીઓની ઓળખ કરીને છ આરોપીને દબોચી લીધા હતા.


અટકાયત કરવામાં આવેલા આરોપીઓમાં હર્ષ ઉર્ફે રોશન કમલેશભાઈ કહાર, વિશાલ રાજુભાઈ માળી, જયદિપ રાજુભાઈ પટેલ, અશ્વીનભાઈ ઉર્ફે યશ નારણભાઈ કહાર, ધ્રુવ વિજયભાઈ વસાવા અને મેહુલ ગોવિંદભાઈ કહારનો સમાવેશ થાય છે. રાવપુરા પોલીસ ઇન્સપેક્ટર ડી. જે. પટેલ તથા તેમની ટીમ જેમાં હેડ કોન્સ્ટેબલ ગુલાબસિંગ, મનિષભાઈ, જગમાલભાઈ, કાનાભાઈ તેમજ લોકરક્ષક વિશાલભાઈ અને દિનેશસિંહનો સમાવેશ થાય છે, તેમણે સતર્કતા દાખવીને વાયરલ વીડિયોના આધારે ગુનાનો ભેદ ઉકેલી તમામ આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ કાન પકડીને ઉઠક બેઠક કરી હતી અને માફી માગી હતી.

આગામી થોડા દિવસોમાં શ્રાવણ મહિનાનો આરંભ થઇ રહ્યો છે ત્યારે પવિત્ર શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે. અને અનેક ધાર્મિક યાત્રાઓ પણ નીકળે છે. ત્યારે આ ધાર્મિક યાત્રાઓમાં જોડાનાર શ્રધ્ધ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે અને શહેરનું વાતાવરણ ન ડહોળાય તે માટે પોલીસની બાજ નજર રહેશે. અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કડક રહે કાર્યવાહી કરવામાં આવશે. શહેરનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનારને કોઈ પણ સંજોગોમાં નહીં છોડાય તેવો સ્પષ્ટ કોલ પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે.

Share :

Leave a Comments