- આરોપી રૂપા જૈન બાળકોના સોદા કરનાર એજન્ટ તૌફિક અને સોહિલના સંપર્કમાં 5 વર્ષથી હોવાની અને બાળકની ડિલિવરી મેળવીને અન્ય કોઇ વ્યક્તિને આપતી હોવાની વિગતો ખૂલી
- પોલીસે એક પછી એક એજન્ટ અને બાળકના પિતા સહિત કુલ નવ જણાને ઝડપી લીધા
બાળ તસ્કરી કરતી ગેંગમાં પોલીસે એજન્ટ તરીકે ભૂમિકા ભજવનાર રૂપા જૈનને કર્ણાટકથી ઝડપી પાડી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
સિધ્ધપુરના આઠ દિવસના બાળકને વેચવા નીકળેલા મનોજ રાવળ અને વીણા રાવળને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ આરએન બારૈયાએ ઝડપી પાડતાં બાળ તસ્કરીના મુંબઇ સુધી ફેલાયેલા રેકેટનો પર્દાફાશ થયો છે. આ પ્રકરણની તપાસ એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ કેજી લિમ્બાચિયાને સોંપવામાં આવી છે.
પોલીસે એક પછી એક એજન્ટ અને બાળકના પિતા સહિત કુલ નવ જણાને ઝડપી લીધા હતા. જેમાં થાણેના ડોક્ટર સચિનદેવ લોખંડેનો પણ સમાવેશ થાય છે. આઠ દિવસના બાળકને લેવા આવનાર કોલ્હાપુરના રિક્ષા ચાલક સોહિલ મોમીન અને તૌફિક મોમીનની રિમાન્ડ દરમિયાન પૂછપરછ બાદ પોલીસે તૌફિક પાસેથી બાળકની ડિલિવરી લેવા આવનાર રૂપા અપૈયા બુધ્ધનાવર (જૈન) (રહે. ગાંધીનગર-૦૧ ગલી, સમ્પગાંવ, હુબલી, બેલગાંવ, કર્ણાટક)ની કર્ણાટક ખાતેથી ધરપકડ કરી છે.
પ્રાથમિક તપાસમાં રૂપા જૈન બાળકોના સોદા કરનાર એજન્ટ તૌફિક અને સોહિલના સંપર્કમાં પાંચ વર્ષથી હોવાની અને બાળકની ડિલિવરી મેળવીને અન્ય કોઇ વ્યક્તિને આપતી હોવાની વિગતો ખૂલી છે. જેથી તે દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે. રૂપા, તૌફિક અને સોહિલે કેટલા બાળકો વેચ્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે.


