વિશ્વામિત્રી-રત્નાગીરી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને કાયમી કરવા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનની માંગ

વડોદરાથી રત્નાગીરી નિયમિત ટ્રેન શરૂ કરવાની મહારાષ્ટ્રીયન સમાજની રેલવે તંત્ર સમક્ષ રજૂઆત

MailVadodara.com - Akhil-Maharashtra-Youth-Organization-demands-making-the-Vishwamitri-Ratnagiri-weekly-special-train-permanent

- ગણેશોત્સવમાં વધતી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખી રજૂઆત

- મર્યાદિત ટ્રેન સેવાના કારણે રાયગઢ સહિતના મુસાફરોને મુશ્કેલી

- પ્રતાપનગર ખાતે ડીઆરએમને આવેદનપત્ર અપાયું

વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો વસવાટ કરે છે. મહારાષ્ટ્રના રાયગઢ સહિતના વિસ્તારોમાં પોતાના વતન જવા માટે આ સમાજના મુસાફરોને રેલવેની મર્યાદિત ટ્રેન સેવાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વડોદરાથી આ રૂટ પર હાલમાં મર્યાદિત નિયમિત ટ્રેન વિકલ્પ હોવાથી તેમાં મુસાફરોનો ભારે ધસારો રહે છે. જ્યારે બાય રોડ મુસાફરી કરવામાં સમય અને ખર્ચ બંને વધતા મુસાફરો માટે મુશ્કેલી સર્જાય છે.

વિશ્વામિત્રી-રત્નાગીરી સ્પેશિયલ ટ્રેન મહારાષ્ટ્રના રાયગઢ રૂટ પર કાયમી દોડાવવા માગ

વડોદરાથી દર શુક્રવારે ઉપડતી મરૂસાગર એક્સપ્રેસને ભીલ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જોકે, મુસાફરોની સંખ્યા સામે ટ્રેનની ઉપલબ્ધતા મર્યાદિત હોવાથી ખાસ કરીને તહેવારો દરમિયાન ભારે ભીડ જોવા મળે છે. ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા વિશ્વામિત્રી-રત્નાગીરી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

વિશ્વામિત્રી-રત્નાગીરી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને કાયમી કરવામાં આવે તેવી માગ સાથે આજે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા પ્રતાપનગર ખાતે ડીઆરએમને રજૂઆત કરવામાં આવી હતી. સંગઠન દ્વારા વડોદરાથી રત્નાગીરી તરફ નિયમિત ટ્રેન સેવા શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે.

સંગઠનનું કહેવું છે કે બાય રોડ વતન પહોંચવામાં સમય અને નાણાં વધુ ખર્ચાય છે. વડોદરાથી રત્નાગીરી તરફ દૈનિક ટ્રેન સેવા ઉપલબ્ધ થાય તો રાયગઢ સહિત આ રૂટમાં આવતા અન્ય શહેરોના મુસાફરોને પણ સરળ અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળી શકે. 

Share :

Leave a Comments