વડોદરાના તબીબને રૂપિયા 5 કરોડની હોસ્પિટલ લોન અપાવવાના બહાને રાજકોટના યુવકે 5 લાખ પડાવ્યા

છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જને લોનની જરૂર હોઈ ઓનલાઇન સર્ચ કર્યું હતું

MailVadodara.com - A-young-man-from-Rajkot-swindled-5-lakh-from-a-Vadodara-doctor-under-the-pretext-of-securing-a-5-crore-hospital-loan

- બે દિવસમાં લોન કરાવી આપવાનું કહી એક ટકા એડવાન્સની માંગણી કરી તબીબ પાસેથી રૂ.5 લાખ લીધા હતા, નવ મહિને પણ લોન નહીં મળતાં ગોરવા પોલીસમાં ફરિયાદ નોંધાવી

વડોદરા ગોરવા વિસ્તારમાં રહેતા એક તબીબને હોસ્પિટલ ઉપર લોન અપાવવાના બહાને રાજકોટના એક યુવકે ચૂનો ચોપડ્યો છે. હોસ્પિટલ ઉપર ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી લોન અપાવવાના બહાને રૂ. 5 લાખ લઇ લીધા અને બાદમાં લોન પણ ન અપાવી અને નાણાં પણ પરત ન આપતા આખરે તબીબે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વડોદરાના ગોરવા ખાતે આવેલી શુભમ પાર્ક લાભ રેસિડેન્સીમાં રહેતા અને છોટાઉદેપુર ખાતે સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન તરીકે ફરજ બજાવતા મહેશ બાબુભાઇ વાઘેલાને રૂ. 5 કરોડ લોનની જરૂર હોઈ તેઓ ઓનલાઇન સર્ચ કરી રહયા હતા. દરમિયાન તેઓ ઉપર રિતુબહેન નામક એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેઓએ લોન અંગેની પુચ્છા કરી હાર્દિક સોલંકી નામના વ્યક્તિનો મોબાઈલ નંબર આપ્યો હતો.

ડો. વાઘેલાને હાર્દિક સોલંકી કે જે રાજકોટનો રહેવાસી છે તેનો નંબર મળતા તેઓએ તેને કોલ કર્યો હતો અને પોતાની વાત મૂકી હતી. હાર્દિક સોલંકીએ તબીબને જણાવ્યું હતું કે, તમારી 5 કરોડની લોન એચ.આર.ફિનકોર નામક ફાઇનાન્સ કંપનીમાંથી થઇ જશે. પરંતુ આ લોન મેળવવા તેઓએ 1 ટકા રકમ એડવાન્સ આપવી પડશે. એટલે કે 5 કરોડની લોન કરાવવા માટે તેને રૂ. 5 લાખની માંગણી કરી હતી. અને બાદમાં બે દિવસમાં લોન થઇ જશે તેમ તેને જણાવ્યું હતું.

ડો. વાઘેલાએ લોન કરાવવા માટે હાર્દિક સોલંકીના એકાઉન્ટમાં રૂ. 5 લાખની રકમ જમા કરાવી દીધી પરંતુ બે દિવસ પછી લોન ન થતા તેઓએ વળતો ફોન કર્યો હતો. જો કે સામેથી હાર્દિકે એમ જણાવ્યું હતું કે, લોન મંજુર થઇ નથી અને તેમાં હજુ થોડો વધુ સમય જશે. જો કે ત્યાર બાદ ડો. વાઘેલાએ અવારનવાર હાર્દિકને ફોન કર્યા હતા પરંતુ તે ફોન ઉપર ગલ્લાં તલ્લાં જ કરતો હતો. ક્યારેક તે તબીબનો ફોન પણ ઉપાડતો ન હતો.

ડો. બાબુ વાઘેલા દ્વારા ગત તા. 18 નવેમ્બર, 2025ના રોજ હાર્દિક સોલંકીના ખાતામાં રૂ. 5 લાખની રકમ જમા કરાવી હતી આ વાતને 9 મહિના ઉપરાંતનો સમય થવા આવ્યો છતાં ન તો લોનની રકમ મળી ન તો તેઓએ એડવાન્સ પેટે આપેલા 5 લાખ રૂપિયા પરત મળ્યા. આખરે કંટાળેલા તબીબે વડોદરાના ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાર્દિક સોલંકીની શોધખોળ કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments