- પોલીસે સ્થળ પરથી રૂ.25,150 રોકડા, 12 મોબાઇલ ફોન, પત્તા-પાના, જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાયેલા 5 વાહનો તથા મકાનનું લાઇટ બિલ મળી રૂ.3,25,150નો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરાના પથ્થરગેટ વિસ્તારમાં આવેલી જય કુબેર રેસિડેન્સીના પાંચમા માળના મકાનમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડતા તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા કુલ 13 ઇસમોને ઝડપી પાડ્યા છે અને રોકડ, મોબાઇલ અને 5 વાહનો સહિત રૂ.3.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, તુષાર મુકેશભાઇ કણસે પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી પત્તા-પાના અને પૈસાની હારજીતનો જુગાર રમાડે છે. જેના આધારે ટીમે દરોડો પાડતા તુષાર કણસે સહિત 13 શખસ ગોળકુંડાળું વળી તીન પત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તમામની અટકાયત કરીને સ્થળ પરથી કુલ રૂ.25,150 રોકડા, 12 મોબાઇલ ફોન, પત્તા-પાના, જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાયેલા પાંચ વાહનો તથા મકાનનું લાઇટ બિલ મળી કુલ રૂ.3,25,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે પોલીસે તુષાર મુકેશભાઇ કણસે (ઉ.વ.35), જીતેન્દ્ર મંગળભાઇ કહાર (ઉ.વ.28), રાજેન્દ્ર સુનિલભાઇ સપકાલ (ઉ.વ.28), પ્રશાંત રમેશચંદ્ર ખોનાર (ઉ.વ.42), પિયુષ અમૃતભાઇ રાજપુત (ઉ.વ.27), રોહન રાજેશભાઇ ચૌહાણ (ઉ.વ.26), વિકાસ અરવિંદભાઇ ઓડ (ઉ.વ.31), હેમંત દિનેશભાઇ વસાવા (ઉ.વ.34), સુનિલ મોહનસિંગ રાજપુત (ઉ.વ.36), પવન સુરેશભાઇ માળી (ઉ.વ.25), હિરેન રાજેશભાઇ મસ્કે (ઉ.વ.25), ધ્રુવલ કૈલાશભાઇ ઓડ (ઉ.વ.25) અને પ્રદીપ રાજેશભાઇ દીધે (ઉ.વ.27)ની ધરપકડ કરી હતી.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહી બાદ તમામ 13 ઇસમો સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં મુજબ જુગારધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે આરોપીઓને નવાપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.


