- છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ જગદીશને દવાખાને લઈ જતા પવન અને જગદીશનું ઘટનાસ્થળે મોત, ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખસેડાયો
સાવલી તાલુકાના કંબોલા ગામની સીમમાં એક ટ્રેલરે બાઇકને રિવર્સમાં ટક્કર મારતા હાલોલ દવાખાનામાં જતા બે યુવાનોના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે એક બાળકને ઇજા થતા સારવાર માટે ખસેડાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ મધ્યપ્રદેશના મૂળ વતની અનિલ નયનસિંગ ઠાકુરે સાવલી તાલુકાના દ્વારકાપુરા ગામે હરેશ ભુરાભાઇ ચોવયીટાનું ખેતર ભાગે રાખી તેમાં કપાસનું વાવેતર કર્યું છે. અનિલની સાથે મદદમાં તેનો ભાઇ પવન આવીને તેની સાથે રહે છે. જ્યારે ખેતરમાં એમપીના વતનના કેટલાંક લોકો કામ કરે છે. ગઇકાલે સાંજે અનિલ તેમજ તેનો ભાઇ પવન બંને પોતાની રૂમ પર હતા ત્યારે વતનના ખરગોન તાલુકાના જટવાઇ ગામમાં રહેતો જગદીશ જીવણભાઇ આવ્યો હતો અને પવનને જણાવેલ કે મને છાતીમાં દુઃખાવો થાય છે, મારે દવાખાને જવું છે, તું તારી બાઇક પર મને લઇ જા. જેથી પવન તેના પુત્ર યુવરાજને સાથે લઇ જગદીશને હાલોલ ખાતેના દવાખાનામાં સારવાર માટે લઇ જવા માટે નીકળ્યો હતો.
તેઓ કંબોલા ગામની સીમમાં સનબીમ કંપની પાસે પહોચ્યા ત્યારે ત્યાં રોડ પર રિવર્સ લેતા એક ડમ્પરે પાછળથી આવતી બાઇકને ટક્કર મારતા બાઇક પર બેઠેલ ત્રણે રોડ પર પટકાયા હતાં. આ અકસ્માતમાં પવન અને જગદીશનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું જ્યારે યુવરાજને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે સાવલી પોલીસે અનિલ ઠાકુરની ફરિયાદ બાદ અકસ્માત બાદ સ્થળ પર ટ્રેલર મૂકીને ભાગી ગયેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે.


