યમુનામીલ રોડ પર એક્ટિવા ઘસાવા મુદ્દે મારામારી, પથ્થરમારામાં મામા-કાકાને ઈજા, સામ-સામે ફરિયાદ

ગાજરાવાડીમાં વાહન ઘસાવા મુદ્દે બે પક્ષો વચ્ચે મારામારી

MailVadodara.com - Clash-on-Yamunamil-Road-over-an-Activa-brushing-against-someone-uncle-injured-in-stone-pelting-cross-complaints-filed

- બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી, એક પક્ષે મામાના માથામાં પથ્થર માર્યાનો તો બીજાએ કાકા પર હુમલાનો આક્ષેપ કર્યો

વડોદરાના આજવા રોડ સગુન સીડેન્સીમાં રહેતા મોહમ્મદ ઓમાન જુનેદ શીખે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગાજરાવાડી સ્થિત નરસિંહ એસ્ટેટ પાસે યમુનામીલ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતા એક એક્ટિવા ચાલકે મારું વાહન ઘસીને ચલાવ્યું. તેણે મને બૂમ પાડીને ઊભો રાખ્યો. હું તેની પાસે ગયો કે તરત જ તે અચાનક ઉશ્કેરાઈ ગયો અને મને ગંદી બિભત્સ ગાળો આપવા લાગ્યો. એટલું જ નહીં, તેણે મને ગાલ પર ચાર-પાંચ લાફા મારી દીધા.

આ બનાવ બાદ મેં તરત જ મારા પિતા આશિફભાઈ શેખને ફોન કરીને ત્યાં બોલાવ્યા. થોડી જ વારમાં તે એક્ટિવા ચાલક, જેણે પોતાનું નામ અશોક સોમાભાઈ લાકડીવાલા (રહે. ભરતવાડી, પ્રતાપનગર) બતાવ્યું હતું, તે તેના મિત્ર રાહુલ નરેશભાઈ લાકડીવાલા સાથે ત્યાં ફરી આવ્યો અને અમારી સાથે ઝઘડો કરવા લાગ્યો. આ દરમિયાન મારા મામા મોહમદ ઝેદ પણ ત્યાં આવી પહોંચ્યા અને અમને છોડાવવા વચ્ચે પડ્યા.

ઝઘડો વધતાં અશોક લાકડીવાલાએ મારા મામાના માથામાં પથ્થર મારી દેતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. બોલાચાલી અને મારામારી દરમિયાન અશોકે મારા જમણા હાથ પર પણ ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ આજુબાજુના લોકો એકઠા થઈ જતાં તેઓએ અમને મુક્ત કરાવ્યા હતા. આ ઘટના અંગે મેં પાણીગેટ પોલીસ સ્ટેશન પહોંચીને અશોક સોમાભાઈ લાકડીવાલા અને રાહુલ નરેશભાઈ લાકડીવાલા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે રાહુલ લાકડીવાળાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું માંજલપુર ખાતે પાન પાર્લર ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવું છું. ગત રવિવારે (25 ઓક્ટોબર) બપોરે આશરે 12.30 વાગ્યે હું મારા કાકા અશોકભાઈના ઘરે હતો. તે સમયે મારા કાકા અને તેમનો મિત્ર એક્ટિવા લઈને નરસિંહ એસ્ટેટ પાસે સ્પેરપાર્ટ્સ લેવા ગયા હતા. ત્યાંથી પરત આવીને તેમણે મને જણાવ્યું કે એક્ટિવા ચલાવવા બાબતે એક વાહનચાલક સાથે તેમનો ઝઘડો થયો છે.

આથી આ મામલે શાંતિથી વાતચીત કરવા માટે હું અને મારા કાકા બપોરે પોણા બારેક વાગ્યાના સુમારે નરસિંહ એસ્ટેટ પાસે પહોંચ્યા હતા. ત્યાં ઝઘડો કરનાર યુવક અન્ય ચાર-પાંચ માણસો સાથે ઊભો હતો. હું તેની પાસે વાત કરવા ગયો ત્યારે તે અચાનક ઉશ્કેરાઈ ગયો અને મને ગંદી ગાળો આપીને કહેવા લાગ્યો કે, તું મને ઓળખતો નથી, હું સગુન રેસિડેન્સીનો નોમાન શેખ છું. આટલું કહીને તેણે મારી સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી.

દરમિયાન નોમાન શેખનું ઉપરાણું લઈને મોહમદ ઝેદ, આશિફ શેખ, ફારૂક અને આશીક પઠાણ નામના ઈસમો ગેરકાયદે મંડળી બનાવીને ત્યાં આવી પહોંચ્યા હતા. આ લોકોએ એકસંપ થઈને નીચે પડેલા પથ્થરના ટુકડા વડે મારા કાકા અશોકભાઈ પર ઘાતક હુમલો કર્યો હતો અને મને ઢોર માર મારીને માથા તથા શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી હતી.'

Share :

Leave a Comments