- સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG), સ્નિફર ડોગ સ્ક્વોડ અને ક્વિક રિસ્પોન્સ ટીમે શોપિંગ સેન્ટર સહિત પાર્કિંગની તપાસ કરી
- શંકાસ્પદ વસ્તુ દેખાય તો 112 પર જાણ કરવા અપીલ
આગામી પ્રકાશપર્વ દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને વડોદરા શહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તેમજ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા શહેર પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. મુસાફરો અને લોકોની ભારે અવરજવર ધરાવતા વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન જેવા સંવેદનશીલ સ્થળોએ પોલીસ તંત્ર દ્વારા બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, સ્નિફર ડોગ સ્ક્વોડ તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમને સાથે રાખીને સઘન સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તહેવારોના દિવસોમાં શહેરીજનો નિર્ભયપણે ખરીદી અને ઉજવણી કરી શકે તેવા ઉદ્દેશ સાથે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ચેકિંગ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) સહિતની વિવિધ સુરક્ષા એજન્સીઓએ સેન્ટ્રલ બસ સ્ટેશન પરિસર, ત્યાં આવેલી નાની-મોટી દુકાનો, શોપિંગ સેન્ટર્સ, સિનેમા હોલ તેમજ બેઝમેન્ટ પાર્કિંગની ઝીણવટભરી ચકાસણી કરી હતી. આ ઉપરાંત પાર્કિંગ વિસ્તારમાં મૂકવામાં આવેલા તમામ દ્વિચક્રીય અને ચારચક્રીય શંકાસ્પદ વાહનોની પણ ડોગ સ્ક્વોડ અને મેટલ ડિટેક્ટરની મદદથી સાવચેતીપૂર્વક તપાસ કરવામાં આવી હતી. શહેર પોલીસ દ્વારા મોલ, મુખ્ય બજારો અને જાહેર પરિવહનના સંવેદનશીલ પોઈન્ટ્સ પર સતત પેટ્રોલિંગ વધારીને બાજ નજર રાખવામાં આવી રહી છે.
કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉત્સવની ઉજવણી થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા વડોદરાવાસીઓને વિશેષ સાવચેતી રાખવા અનુરોધ કરાયો છે. જાહેર સ્થળો પર કોઈપણ બિનવારસી બેગ, શંકાસ્પદ વસ્તુ કે અસામાજિક ગતિવિધિ ધ્યાને આવે તો તેને સ્પર્શ કર્યા વિના તાત્કાલિક નજીકના પોલીસ કર્મીને અથવા 112 હેલ્પલાઈન નંબર પર જાણ કરવા જણાવાયું છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, તહેવારો પૂર્ણ ન થાય ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાઓ અને પરિવહનના મુખ્ય મથકો પર આ પ્રકારે ઓચિંતી તપાસ કામગીરી રાઉન્ડ ધ ક્લોક ચાલુ રાખવામાં આવશે.


