અટલાદરાના યુવક સાથે ક્રિપ્ટો ટ્રેડિંગના નામે રૂા.92.48 લાખની ઠગાઇ, લક્ષ્મીપુરાના યુવકના મોબાઈલ એપથી 60 હજાર ઉપડ્યા

ફેસબુક પર યુવતીની મિત્રતા બાદ વિદેશમાં રહેતા કાકાના નામે સંપર્ક કરાવી ઠગાઈ આચરી

MailVadodara.com - Rs-92-48-lakh-swindled-from-an-Atladara-man-under-the-pretext-of-crypto-trading

- અપોલો ફાર્મસીના કર્મચારીના મોબાઈલમાં B-PLAY PRO એપથી ત્રણ ખાતામાં નાણાં ટ્રાન્સફર થયા

વડોદરામાં સાયબર ઠગોએ ક્રિપ્ટો ટ્રેડિંગમાં 50થી 60 ટકા નફો કમાવવાની લાલચ આપી યુવકને રૂ. 92.48 લાખથી વધુની રકમ ગુમાવવાનો વારો લાવ્યો છે. ફેસબુક પર અદિતિ મિશ્રા નામની યુવતી સાથે મિત્રતા કર્યા બાદ વોટ્સએપ મારફતે ક્રિપ્ટો ટ્રેડિંગમાં રોકાણ કરાવાયું હતું. શરૂઆતમાં નફો બતાવી અને યુવકના બાઇનાન્સ વોલેટમાં રકમ પરત મોકલી વિશ્વાસ જીત્યા બાદ અલગ-અલગ યુપીઆઈ આઈડી અને બેંક ખાતાઓમાં ટુકડે-ટુકડે 94.27 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે, યુવકને માત્ર રૂ. 71,729 જેટલી ક્રિપ્ટો રકમ અને એમ.આર.એમ. પોર્ટલ મારફતે રૂ. 1,07,606 પરત મળ્યા હતા. બાકીની રૂ. 92,48,279ની રકમ પરત નહીં મળતાં આખરે યુવકે સાયબર ક્રાઇમ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતા અને હરણી ખાતે આવેલી કચ્છ કેમિકલ કંપનીના માર્કેટિંગ વિભાગમાં નોકરી કરતા 34 વર્ષીય જસ્મિનભાઈ કનુભાઈ પટેલને 10 જાન્યુઆરી, 2026ના રોજ ફેસબુક પર અદિતિ મિશ્રા નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. ત્યારબાદ યુવતીએ પોતાનો વોટ્સએપ નંબર આપીને ક્રિપ્ટો ટ્રેડિંગમાં મોટો નફો થતો હોવાની વાત કરી હતી. વિશ્વાસ સંપાદન કરવા નફાના સ્ક્રીનશોટ પણ મોકલ્યા હતા.

ત્યારબાદ યુવતીએ તેના કાકા નીતિશ કુમાર સાથે વાત કરાવી હતી અને ક્રિપ્ટો ટ્રેડિંગ માટે globixvault.com નામની વેબસાઇટની લિંક મોકલી હતી. શરૂઆતમાં રૂ. 10 હજારનું રોકાણ કરાવ્યા બાદ વેબસાઇટ પર નફો દર્શાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રેડિંગના નામે અલગ-અલગ તબક્કે રકમ જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. યુવકના બાઇનાન્સ વોલેટમાં 717.29 USDT, એટલે કે આશરે રૂ. 71,729 જમા કરાવી ઠગોએ વિશ્વાસ વધુ મજબૂત કર્યો હતો.

આ પછી યુવકે વિવિધ યુપીઆઈ આઈડી અને બેંક ખાતાઓમાં 94,27,614 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે, રોકાણની બાકીની રકમ પરત ન મળતાં છેતરપિંડીનો ભોગ બન્યાનું જણાયું હતું. ફરિયાદના આધારે પોલીસે નાણાકીય વ્યવહારો, વોટ્સએપ ચેટ અને બેંક સ્ટેટમેન્ટ સહિતના પુરાવાઓના આધારે તપાસ હાથ ધરવાની દિશામાં કાર્યવાહી કરવાની જરૂર ઊભી થઈ છે.

બીજી તરફ વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં અપોલો ફાર્મસીમાં હાજર કેતનભાઈ અશોકભાઈ શેઠના મોબાઈલમાં અચાનક એપ્લિકેશનો બંધ થઈ જતાં તપાસ કરતાં B-PLAY PRO નામની એપ્લિકેશન મળી આવી હતી. મોબાઈલ રીસેટ કર્યા બાદ પેમેન્ટ ચેક કરતાં તેમના ખાતામાંથી રૂ.60,800 ઉપડી ગયાનું સામે આવ્યું હતું.11 ઓક્ટોબરના રોજ બપોરે ત્રણ વાગ્યે નારાયણ ગાર્ડન નજીક આવેલી અપોલો ફાર્મસીમાં કેતનભાઈનો મોબાઈલ અચાનક અપડેટ થવા લાગ્યો હતો અને કોઈ એપ્લિકેશન ખુલતી નહોતી.

મિત્ર કરણભાઈએ તપાસ કરી B-PLAY PRO એપ્લિકેશન ડિલીટ કરી મોબાઈલ રીસેટ કર્યો હતો. ત્યારબાદ ગુગલ પે મારફતે રૂ.60,800માંથી રૂ.3,400, રૂ.10,000 અને રૂ.50,000 એમ ત્રણ અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર થયાનું જાણવા મળ્યું હતું. આ અંગે લક્ષ્મીપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments