મહુડી ભાગોળ ફાટકે અંડરપાસ માટે સર્વેની રજૂઆત, સંખેડા-બહાદરપુર સ્ટેશન પર ટ્રેનના સ્ટોપેજની માગ

રેલ સંવાદમાં ડભોઈ અને આસપાસના મુસાફરો માટે સુવિધાઓ વધારવાની માગ

MailVadodara.com - Survey-submitted-for-underpass-at-Mahudi-Bhagol-Phat-demand-for-train-stoppage-at-Sankheda-Bahadarpur-station

- એકતા નગરથી સાંજે 6થી 6.30 દરમિયાન વડોદરા માટે નવી ટ્રેન શરૂ કરવાની રજૂઆત

- શતાબ્દી એક્સપ્રેસમાં બે સામાન્ય કોચ ઉમેરવાની માગ કરી

રેલવે મુસાફરોની સુવિધા અને રેલવે સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે રેલ મંત્રાલય દ્વારા ગઈકાલે દેશનાં મુખ્ય રેલવે સ્ટેશનો પર રેલ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત વડોદરા રેલવે સ્ટેશન સહિત વડોદરા રેલ મંડળનાં 21 જેટલાં સ્ટેશનો પર સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ડભોઈથી ડીઆરયુસીસી સભ્ય વંદનકુમાર પંડ્યાએ ડભોઈ અને આસપાસના વિસ્તારના મુસાફરોની સુવિધા માટે વિવિધ રજૂઆતો કરી હતી.

વંદનકુમાર પંડ્યાએ ટાંડા રોડથી પ્રતાપનગર વચ્ચે શરૂ થયેલી આંતરરાજ્ય ટ્રેનને સંખેડા-બહાદરપુર સ્ટેશન પર ત્રણ મિનિટનું સ્ટોપેજ આપવા માગ કરી હતી. આ સ્ટોપેજ મળવાથી સ્થાનિક મુસાફરોને ટ્રેનનો લાભ મળી શકે તેમ છે. આ ઉપરાંત એકતા નગરથી અમદાવાદ જતી શતાબ્દી એક્સપ્રેસમાં બે સામાન્ય શ્રેણીના કોચ ઉમેરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી, જેથી સામાન્ય મુસાફરોને વધુ સગવડ મળી શકે.

એકતા નગરથી વડોદરા પરત ફરતા મુસાફરો માટે પણ ટ્રેનની સુવિધા વધારવાની માગ કરવામાં આવી હતી. હાલમાં સાંજે 4 વાગ્યા પછી વડોદરા આવવા માટેની અનુકૂળ ટ્રેનની સુવિધા અને રાત્રે 9 વાગ્યા પછીની ટ્રેન વચ્ચેના સમયને ધ્યાનમાં રાખીને સાંજે 6થી 6.30 દરમિયાન એક ટ્રેન શરૂ કરવાની રજૂઆત કરાઈ હતી. આ સુવિધા શરૂ થાય તો નોકરી-ધંધા માટે રોજ અપડાઉન કરતા મુસાફરોને લાભ મળે અને રેલવેની આવકમાં પણ વધારો થઈ શકે તેમ છે.

ડભોઈના મહુડી ભાગોળ રેલવે ફાટક પર ભવિષ્યમાં ટ્રેનોની સંખ્યા વધતાં ફાટક વારંવાર અને લાંબા સમય સુધી બંધ રહેવાની શક્યતા વ્યક્ત કરીને ત્યાં અંડરપાસ બનાવવા માટે અત્યારથી જ સર્વે હાથ ધરવાની માગ કરવામાં આવી હતી. ફાટક બંધ રહેવાને કારણે સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આયોજનબદ્ધ રીતે કામગીરી આગળ વધારવા રજૂઆત કરવામાં આવી હતી.

ડભોઈ-કરજણ ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવાની માગ કરવામાં આવી હતી. આ ટ્રેનનો ઉપડવાનો સમય વહેલો કરવામાં આવે અને કરજણથી પરત ફરવાનો સમય મોડો રાખવામાં આવે તો વધુ મુસાફરોને અનુકૂળતા મળી શકે તેમ છે. આ ઉપરાંત ડભોઈ રેલવે સ્ટેશન પર ચાલી રહેલાં વિકાસકાર્યોમાં ઇજારદારો દ્વારા સલામતીના નિયમોનું પાલન થાય અને કામ દરમિયાન કોઈ જોખમ ઊભું ન થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવા પણ રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત ભવિષ્યમાં અલીરાજપુરથી ભરૂચ અને સુરત સુધી નવી ટ્રેનો શરૂ કરવાની માગ કરવામાં આવી હતી. અલીરાજપુરથી અમદાવાદ સુધીની સીધી રેલવે સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં પણ રજૂઆત કરાઈ હતી.

Share :

Leave a Comments