તાંદલજામાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને પ્લોટ ભેટમાં આપવાની દરખાસ્ત સામે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ

વડોદરા મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસ દ્વારા પ્રદર્શન

MailVadodara.com - City-Congress-protests-against-proposal-to-gift-plot-to-former-cricketer-Yusuf-Pathan-in-Tandalja

- 978 ચોરસ મીટરના પ્લોટમાંથી 500 ચોરસ મીટર ભેટમાં અને બાકીનો 55 ટકા રાહતદરે આપવાની દરખાસ્ત

- કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ 14 વર્ષના કબજાના વળતર સહિતના મુદ્દે સવાલો ઉઠાવ્યા

વડોદરામાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણે જે પ્લોટ ઉપર દબાણ કર્યું હતું તે જમીન હવે સરકાર દ્વારા ભેટમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે યુસુફ પઠાણને 978 ચોમી પૈકી 500 ચોમી પ્લોટ ભેટમાં અને બાકીનો પ્લોટ 55 ટકામાં રાહતદરે આપવાની દરખાસ્ત વડોદરા મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મૂકવામાં આવી છે.

આ દરખાસ્ત પર આજે નિર્ણય લેવામાં આવશે, પરંતુ વડોદરા મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા વોટ ચોર ભાજપ, પ્લોટ ચોર ભાજપ, એક વોટની કિંમત 15 કરોડના પોસ્ટર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા VMCના જમાઈ યુસુફ પઠાણના નારા લગાવવામાં આવ્યા હતા.

કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, 978 ચોરસ મીટરનો સરકારની માલિકીનો પ્લોટ ભાજપના નેતાઓએ યુસુફ પઠાણને આપી દીધો. કેમ ભાઈ સરકારી જમાઈ છે? જે સરકારી પ્લોટોમાં વડોદરાનો નાગરિક કોઈ પ્રવૃત્તિ કરે તો એનું 5થી 10 હજાર ભાડું વસૂલે છે. 14 વર્ષથી યુસુફ પઠાણનો કબજો હતો. 14 વર્ષની તમે ગણતરી કરો તો 8 કરોડ કરતા વધારે રકમ યુસુફ પઠાણ પાસેથી લેવી પડે.

આ તો ઉપરથી ફ્રીમાં આપી દીધો કારણ કે એનો એક વોટ છે, એટલે 15 કરોડનો પ્લોટ ફ્રીમાં આપી દીધો. સરકારી જમાઈ છે ભાઈ? આ કઈ મ્યુનિસિપલ કમિશનર કે ભાજપના નેતાઓના ખિસ્સાના રૂપિયા છે? પેલા કોર્પોરેટર ક્યાં ગયા જે પોતાની જાતને 'મામા' કહે છે. તેમણે આખા વડોદરાને 'મામા' બનાવ્યું. તેમણે યુ-ટર્ન માર્યો. પહેલાં જ્યારે યુસુફ પઠાણ TMCમાં હતા, ત્યારે એ 'મામા' એવું બોલ્યા કે લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરો અને હવે એ 'મામા' દેખાતા નથી.


હું પૂછવા માગું છું ભાજપના નેતાઓને, શહેરના ભાજપ પ્રમુખને, ગુજરાતના ભાજપ પ્રમુખને અને મુખ્યમંત્રી, ગૃહમંત્રીને કે તમે ચૂંટણીમાં હિન્દુત્વની વાતો કરો છો તો તમને વડોદરામાં હિન્દુ ધર્મના કોઈ ક્રિકેટર દેખાયા નહીં. મોટા મોટા ક્રિકેટરો અંશુમન ગાયકવાડથી માંડીને ઘણા બધા ક્રિકેટરો આ વડોદરા શહેરમાં છે, જેણે વડોદરાનું નામ રોશન કર્યું. હાર્દિક પંડ્યા હોય, હમણાં તો પેલા રાધા યાદવ છે, એમણે તો ખાલી એકેડેમી ખોલવા માટે પ્લોટ માગ્યો તો પણ ના આપ્યો.

ક્રિકેટ તો કોઈ સરકારી રમત નથી. આપણા ખો-ખોના વડોદરાના રમતવીર જેમને અર્જુન એવોર્ડ મળ્યો એવા જે સુધીર પરબને એમને ના આપ્યો. હાર્દિક પંડ્યા છે ક્રિકેટમાં. પણ આ લોકોએ પોતાનો રાજકીય ઉલ્લુ સીધો કરવા માટે ભાજપે આ કર્યું છે. નોટ ચોર, વોટ ચોર, પ્લોટ ચોર ભાજપ. કોર્પોરેશનમાં માત્ર મીટિંગ, ઈટિંગ અને ચીટિંગ કરે છે.

વડોદરાના તાંદલજામાં ટીપી 22 હેઠળનો પ્લોટ નંબર 90માં વર્ષ 2012થી યુસુફ પઠાણે દબાણ કર્યું હતું. આ પ્લોટ અંગેની માંગણી તેઓ દ્વારા કરવામાં આવી હતી પરંતુ વર્ષ 2014માં રાજ્ય સરકારે આ પ્લોટ ન આપી શકાય તેવો હુકમ દર્શાવ્યો હતો. જો કે હવે આ પ્લોટ પૈકી 500 ચોરસ મીટર પ્લોટ ભેટમાં આપવા તેમજ બાકીની પ્લોટ 55 ટકા કિંમત વસૂલી આપવા અંગેની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જે અંગે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ અંગે લડત આપી રહેલા શૈલેષ અમીને સવાલો ઊભા કર્યા હતા અને જણાવ્યું હતું કે, જો સરકારે પ્લોટ આપવો જ હતો તો જ્યારે તેઓ ક્રિકેટ રમતા હતા અને તેઓએ માંગણી કરી હતી ત્યારે કેમ ન આપ્યો? સરકાર યુસુફ પઠાણ પર હવે આટલી ઓળઘોળ કેમ થઈ ગઈ છે?

Share :

Leave a Comments