પાણીગેટમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપી દોષિત, સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદ ફટકારી

આરોપીએ પાણીગેટ વિસ્તારમાં જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું

MailVadodara.com - Accused-convicted-in-case-of-sexual-assault-on-an-11-year-old-girl-in-Panigate-Special-POCSO-Court-sentences-him-to-20-years-of-rigorous-imprisonment

- જાનથી મારી નાખવાની ધમકી આપી સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું

- કોર્ટે આરોપી મનીષ રવિન્દ્ર સાવંતને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ તથા 50,000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો

વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 11 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં વડોદરાની સ્પેશિયલ પોક્સો કોર્ટે દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી મનીષ રવિન્દ્ર સાવંતને દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા અને 50,000નો રોકડ દંડ ફટકાર્યો છે.

ભોગ બનનાર સગીર વયની દીકરી (ઉ.વ. 11) પોતાની બહેનપણીને મળવા તેના ઘરે ગઈ હતી ત્યારે બહેનપણી ઘરે હાજર ન હતી અને આરોપી ત્યાં હાજર હતો. આરોપીએ બાળકીને ઘરમાં કોઈ નથી તેમ કહી દુષ્કર્મ આચરવાની માગણી કરી હતી અને બાળકીએ ના પાડતાં તેને સોફા પર બળજબરીથી સુવાડી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર સગીરા સાથે આકૃત્ય આચર્યું હતું.

આ ઘટના અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એમ. મિશ્રા અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી ભોગ બનનાર તથા આરોપીની મેડિકલ તપાસ કરાવી હતી. આ ઉપરાંત FSLની મદદથી પંચનામું કરી પુરાવા એકત્રિત કર્યાં બાદ વડોદરાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

વડોદરાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસની ટ્રાયલ ચલાવવામાં આવ્યા બાદ મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈની દલીલો અને કન્વિકશન રેટ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી સઘન તપાસને ધ્યાને રાખી કોર્ટે ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપી મનીષ રવિન્દ્ર સાવંતને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ તથા 50,000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે.

Share :

Leave a Comments