તરસાલી ચેકપોસ્ટ પર ડમ્પર રોકતાં ટ્રાફિક પોલીસને ધમકી આપનાર બે આરોપી ઝડપાયા, પોલીસના શરણે માફી માગી

'લુખ્ખા ગાડી ઉભી રખાવે તો ઉપર ગાડી ચડાવી દેવાની' ધમકી આપી હતી!

MailVadodara.com - Two-accused-who-threatened-traffic-police-after-their-dumper-truck-was-stopped-at-the-Tarsali-checkpoint-have-been-caught-they-surrendered-to-the-police-and-apologized

- નો-એન્ટ્રીના નિયમોનું ઉલ્લંઘન કરીને ઘુસેલા એક ડમ્પરને ટ્રાફિક પોલીસે રોકતા ઉશ્કેરાયેલા ચાલક અને તેના સાથીદારે પોલીસકર્મીઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં નો-એન્ટ્રીના નિયમોનું ઉલ્લંઘન કરીને ઘુસેલા એક ડમ્પરને ટ્રાફિક પોલીસે રોકતા ઉશ્કેરાયેલા ચાલક અને તેના સાથીદારે પોલીસકર્મીઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરજ પરના લોકરક્ષકનો મોબાઈલ ફોન પણ છીનવીને ફેંકી દીધો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં મકરપુરા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


મકરપુરા પોલીસે આરોપી રમેશભાઈ ઉર્ફે લાલો પર્વતભાઈ રાવત (રહે- મોરલી પુર ગામ તા. વાઘોડીયા જી. વડોદરા મુળ રહે- મીઠલી નવી વસાહત કેળ તા. સહેરા જી. પંચમહાલ) અને મેહુલ તોગાભાઈ ભરવાડ (રહે- નહેરુ ચાયા સોસાયટી, કમલા નગર, આજવા રોડ, વડોદરા શહેર) ને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓએ પોલીસના શરણે આવતા જ માફી માંગી હતી.

શહેર ટ્રાફિક શાખા (પૂર્વ)માં ફરજ બજાવતા પો.સબ.ઈન્સ. એ.એસ. ચૌધરી અને લોકરક્ષક અશ્વિનકુમાર ખુશાલજીભાઈ પોતાની ડ્યુટી દરમિયાન તરસાલી રોયલ વિસ્તારના પોઈન્ટ ચેક કરી રહ્યા હતા. આ દરમિયાન તરસાલી બ્રિજ નીચેથી શહેર વિસ્તારમાં પ્રવેશેલા એક ડમ્પરને તરસાલી ચેક પોસ્ટ આગળ રોકવામાં આવ્યું હતું. ડમ્પરના ચાલક રમેશભાઈ પર્વતસિંહ રાવત (રહે. કેળ ફણિયુ નવી વસાહત, મિઢાલી ગામ, તા. શહેરા, જી. પંચમહાલ) પાસે વડોદરા શહેરમાં પ્રવેશવા માટેનું પાસ કે પરમિટ માંગવામાં આવતા તેની પાસે હોવાનું જણાયું ન હતું.

ડમ્પર ચાલકે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ વાહન ડીટેઈન કરવાની વાત કરતા પોતાના મોબાઈલથી મેહુલ ભરવાડ નામના શખ્સને ફોન કરીને બોલાવ્યો હતો. થોડીવારમાં સ્થળ પર એક્સયુવી લઈને આવેલા મેહુલ ભરવાડે ઉશ્કેરાઈને જણાવ્યું હતું કે, તમે લોકો મને ઓળખતા નથી, હું મેહુલ ભરવાડ છું અને કોઈની તાકાત નથી કે મારી ગાડી જમા કરે. આટલું જ નહીં, તેણે પોતાના ડ્રાઈવરને ઈશારો કરીને ધમકી આપી હતી કે આ લુખ્ખાઓ ગાડી ઉભી રખાવે તો તેમની ઉપર ગાડી ચડાવી દેવાની અને પોલીસને જોઈ લેવાની ધમકી પણ આપી હતી.

આ દરમિયાન પોલીસકર્મી લોકરક્ષક અશ્વિનકુમાર દ્વારા સમગ્ર ઘટનાનો મોબાઈલથી ફોટો પાડવામાં આવતા જ મેહુલ ભરવાડે ઉશ્કેરાઈને તેમનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો અને નીચે ફેંકી દીધો હતો. ત્યારબાદ તે પોતાની ગાડી લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ મામલે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધવામાં આવી હતી. બાદમાં મકરપુરા પોલીસે બે આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

Share :

Leave a Comments