દરજીપુરા RTOમાં 100માંથી માત્ર 10 અરજદારો પાસ, પાર્કિંગની મુશ્કેલી દૂર કરવા લોખંડના થાંભલા લગાવાયા

દરજીપુરા આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવું મુશ્કેલ, વેઇટિંગ વધ્યું

MailVadodara.com - Only-10-out-of-100-applicants-pass-at-the-Darjipura-RTO-iron-posts-installed-to-resolve-parking-issues

- એઆઈ આધારિત ટ્રેક પર રિવર્સ એસ અને ઢાળની કસોટીમાં ઉમેદવારો ફેલ, ફોર વ્હીલરની રોજ 120 ટેસ્ટની વ્યવસ્થા છતાં સ્લોટ ઝડપથી ભરાય છે

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થયા બાદ ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવો એ અરજદારો માટે મુશ્કેલ બની રહ્યો છે. રોજ ૧૦૦માંથી માત્ર ૧૦ અરજદારો જ ટેસ્ટમાં પાસ થતા હોવાના કારણે ટેસ્ટની એપોઈન્ટમેન્ટ માટે વેઇટિંગ ચાલી રહ્યું છે.

અંગ્રેજી આઠ આકારમાં વાહન ચલાવવું, રિવર્સ એસ, ઢાળ પર વાહન ચલાવવું, પાર્કિંગ અને ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન જેવી બાબતોમાં થતી ભૂલોના કારણે  ઉમેદવારો ટેસ્ટમાં ફેલ થઈ રહ્યા છે. ખાસ કરીને કાર પાર્કિંગ વખતે વાહન યોગ્ય રીતે પાર્કિંગ બોક્સમાં પાર્ક નહીં થવાથી ફેલ થનાર ઉમેદવારોનું પ્રમાણ વધારે છે.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને પાર્કિંગ વિસ્તાર પાસે આઠ લોખંડના થાંભલા લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે, જેથી ઉમેદવારો બોક્સમાં યોગ્ય રીતે પોતાનું વાહન પાર્ક કરી શકે. આરટીઓ ખાતે રોજ ફોર વ્હીલરના ૧૨૦ અને ટુ વ્હીલરના ૧૯૦ ટેસ્ટ લેવાની વ્યવસ્થા છે. નવા અરજદારોની સાથે ફરી ટેસ્ટ આપવા માગતા અરજદારોનો પણ ધસારો રહેતો હોવાથી ઉપલબ્ધ સ્લોટ ઝડપથી ભરાઈ જાય છે.

Share :

Leave a Comments