વડોદરામાં બે સગીર બહેનોને અડપલાં કરવાના કેસમાં પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

આરોપીએ ઘરે આવી સાથે બે સગીરા સાથે જાતીય સતામણી-શારીરિક અડપલાં કર્યા હતા

MailVadodara.com - In-a-case-involving-the-molestation-of-two-minor-sisters-in-Vadodara-a-POCSO-court-sentenced-the-accused-to-20-years-of-rigorous-imprisonment

- ફાસ્ટ ટ્રેક કોર્ટે આરોપીને 50 હજારનો દંડ ફટકાર્યો, બંને પીડિત બાળકીઓને વિકટિમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ 1 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો

વડોદરાની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ (પોક્સો) કોર્ટે બે સગીર બાળકીઓ સાથે જાતીય અડપલાં કરવાના ગંભીર ગુનામાં આરોપી પ્રણવ મંડલ ઉર્ફે રાહુલને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, કોર્ટે પીડિત બાળકીઓને 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ મહત્વપૂર્ણ આદેશ કર્યો છે.

વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો કેસમાં બીજા એડિશનલ સેશન્સ જજ અને ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટના ન્યાયાધીશે આ ચુકાદો સંભળાવ્યો છે. મૂળ પશ્ચિમ બંગાળના કલ્યાણી વિસ્તારના વતની આરોપી પ્રણવ મંડલ ઉર્ફે રાહુલ પ્રસાદકુમાર મંડલ (ઉં.વ. 49) પીડિત બાળકીઓની માતા સાથે એસ્ટ્રોલોજીના ઓનલાઇન ક્લાસ મારફતે સંપર્કમાં આવ્યો હતો. ડિસેમ્બર 2022 થી જાન્યુઆરી 2023 દરમિયાન આરોપીએ પીડિતાના ઘરે આવીને 17 વર્ષની મોટી દીકરી તથા 11 વર્ષની નાની દીકરી સાથે જાતીય સતામણી અને શારીરિક અડપલાં કર્યા હતા.

ઉત્તરાયણના દિવસે નાની બાળકી સાથે આચરેલા ગંભીર કૃત્ય અંગે આરોપીએ બાળકીઓ તથા તેમની માતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. શાળાના શિક્ષકો દ્વારા હાથ ધરાયેલા 'ગુડ ટચ - બેડ ટચ'ના કાર્યક્રમ દરમિયાન નાની બાળકીના માનસિક વર્તનમાં આવેલું પરિવર્તન ધ્યાને આવતાં આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

સરકારી વકીલ પી.સી. પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલા મૌખિક તથા દસ્તાવેજી પુરાવા, તબીબી રિપોર્ટ અને શાળાના શિક્ષકની સ્વતંત્ર જુબાનીને ગ્રાહ્ય રાખીને અદાલતે આરોપીને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, સગીર બાળકીઓ સામે આચરવામાં આવતા જાતીય ગુનાઓ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે અને આવા ગુનાઓમાં કડક સજા થવી જરૂરી છે.

કોર્ટે આરોપીને પોક્સો એક્ટની કલમ-6 હેઠળ 20 વર્ષની સખત કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ તથા આઇપીસી કલમ-506(2) હેઠળ 2 વર્ષની સખત કેદ અને 1 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી છે. દંડની રકમમાંથી રૂ. 45 હજાર રૂપિયા પીડિત બાળકીને આપવાનો આદેશ કરાયો છે. આ ઉપરાંત 'વિકટિમ કમ્પેન્સેશન સ્કીમ' હેઠળ બંને પીડિત બાળકીઓને કુલ 1 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

Share :

Leave a Comments