લક્ષ્મીપુરામાં વ્હોટ્સએપ પર શંકાસ્પદ લિંક ખોલતાં મહિલા કર્મચારીના ખાતામાંથી 7.54 લાખ ઉપડી ગયા

એમપરિવહનની લિંક ખોલતાં મહિલા કર્મચારીનો ફોન હેક થઇ ગયો હતો

MailVadodara.com - In-Lakshmipura-Rs-7-54-lakh-was-siphoned-off-from-a-female-employee-account-after-she-opened-a-suspicious-link-on-WhatsApp

- એલેમ્બિક ફાર્માસ્યુટિકલની આસિસ્ટન્ટ મેનેજરને વાહન ચલણના સ્ટેટસના બહાને લિંક મોકલાઈ, ફોન પર OTP આવ્યા બાદ બેંક ખાતામાંથી રૂા.7,54,002ની ઉચાપત થઈ

વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા અને એલેમ્બિક ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી સાથે સાયબર ક્રાઇમની ઘટના સામે આવી છે. અજાણ્યા શખસો દ્વારા વ્હોટ્સએપ પર મોકલવામાં આવેલી શંકાસ્પદ એમપરીવાહનની લિંક ઓપન કરવાથી ફોન હેક થઈ ગયો હતો અને બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉપાડી લેવાયા હતા.

શહેરના સમતા પોલીસ ચોકી સામે સરદાર પટેલ હાઈટ્સમાં રહેતા અને એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતી મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમ જણાવ્યું છે કે, તેમના પિતાના મોબાઈલ નંબર પરથી તેમના વ્હોટ્સએપ નંબર પર એક શંકાસ્પદ લિંક મોકલવામાં આવી હતી. આ લિંક વાહન ચલણનું સ્ટેટસ ચેક કરવાના બહાને મોકલવામાં આવી હોવાથી તેમણે તે ઓપન કરી હતી.

લિંક ઓપન કર્યા બાદ તેનાથી બહાર આવી ગયાના કલાકભર પછી તેમના ફોન પર અલગ-અલગ નંબરોથી OTP આવવા લાગ્યા હતા. બાદમાં તેઓ તાત્કાલિક નજીકના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા. ત્યાં પોલીસ સ્ટેશનમાં ફોન ચેક કરતા તેમાંથી પેલી શંકાસ્પદ લિંક મળી આવી હતી, જેથી તેમણે સુરક્ષાના ભાગરૂપે ફોન ફોર્મેટ કરી નાખ્યો હતો અને પિતાના ફોન પર આવેલી ચેટ પણ ડિલીટ કરી દીધી હતી.

ત્યારબાદ મહિલાએ તેમનું બેંક એકાઉન્ટ ચેક કરતા બેંકના સેલરી એકાઉન્ટમાંથી ઓનલાઈન ઇલેક્ટ્રોનિક માધ્યમનો દુરુપયોગ કરી 7,54,002 ઉપાડી લીધા હોવાનું જણાઈ આવ્યું હતું. આ મામલે આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનાહિત કાવતરું રચી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાથી ફરિયાદ નોંધાવી હતી.

Share :

Leave a Comments