- મીનારા મસ્જિદની ચાલી પાસેના મકાનના પ્રથમ માળે તિજોરીમાંથી 1 કિલો 512 ગ્રામ ચરસ મળ્યો, નાહીદાબાનુએ જથ્થો લાવી નૌરીનબાનુના ઘરે સંતાડ્યો હોવાનો ખુલાસો નોંધાયો
વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે સિટી પોલીસ મથક વિસ્તારમાં એક મકાનમાં દરોડો પાડીને રૂ.3.78 લાખની કિંમતનું 1 કિલો 512 ગ્રામ ચરસ ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં પોલીસે રોકડ રકમ અને સહિત કુલ રૂ.6,04,000નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો છે.

યાકુતપુરા વિસ્તારમાં આવેલા મીનારા મસ્જીદની ચાલી, અડાણીયા પુલ સરસીયા તળાવ રોડ પરના મકાન નં. 282 ખાતે ગત રાત્રે એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન લાખોની કિંમતનો ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સમગ્ર ઓપરેશન બાતમીના આધારે પાર પાડ્યું હતું.
તપાસ દરમિયાન બહાર આવ્યું કે નાહીદાબાનુ ઉર્ફે લાલી અસ્ફાક ઉર્ફે બાબા પઠાણ કોઈ અજાણ્યા શખ્સ પાસેથી માદક પદાર્થ ચરસનો જથ્થો ખરીદીને લાવવામાં આવ્યો હતો. આ જથ્થો નૌરીનબાનુ યુનુસખાન સિકંદરખાન પઠાણના રહેણાંક મકાનમાં સંતાડી રાખવા માટે આપવામાં આવ્યો હતો, જ્યાં તેને પ્રથમ માળે બેઠક રૂમની તિજોરીમાં છુપાવવામાં આવ્યો હતો. પોલીસે રેડ દરમિયાન મકાનમાંથી 1 કિલો 512 ગ્રામ ચરસ (કિંમત રૂ.3,78,000), રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 6,04,000 નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો.


