- નવરાત્રિમાં પરિવાર ગરબા રમવા ગયો ત્યારે બંધ મકાનોને નિશાન બનાવાયાં
- કપુરાઈ પોલીસે CCTV ફૂટેજ તપાસી તસ્કરોને શોધવા પ્રયાસો હાથ ધર્યા
કપુરાઈ પોલીસ હદ વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન અલગ-અલગ ત્રણ સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો બંધ મકાનોને નિશાન બનાવી લાખોની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં સહિતની મતા ચોરી ફરાર થઈ જતા ફરિયાદોના આધારે કપુરાઈ પોલીસે ગુના દાખલ કર્યા છે.
વાઘોડિયા-ડભોઈ રિંગરોડ પરની સુગમપાર્ક સોસાયટીમાં રહેતા સંદીપ દરજી (૫૮) કન્સ્ટ્રક્શન કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. તેઓ પરિવાર સાથે હાલ કુબેરેશ્વર માર્ગ ખાતે નાના ભાઈના ઘરે રહેતા હોવાથી એમનું સુગમપાર્ક સોસાયટીનું મકાન બંધ રહે છે. ગત્ ૨૦ ઓક્ટોબરે પાડોશીએ સંદીપભાઈને એમના મકાનમાં ચોરી થયાની જાણ કરી હતી. અજાણ્યા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશી બેડરૂમના કબાટમાંથી રૂા.૯૨ હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરીને ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું.
આ દરમિયાન ૧૯ ઓક્ટોબરે સુગમપાર્કની બાજુમાં આવેલી નિલામ્બર બંગ્લોઝ સોસાયટીમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો હતો. સી-૧૪માં રહેતા જયદીપકુમાર પટેલના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી એમના ઘરમાંથી પણ સોના -ચાંદીના દાગીનાની ચોરી થવા પામી છે.
આ ઉપરાંત, ગોવર્ધન ટાઉનશિપની પાસે આવેલ ભાગ્યોદય ટેનામેન્ટમાં રહેતા રૂષિ પટેલ (૨૮) ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત્ ૧૭ ઓક્ટોબરે પરિવાર ગરબા રમવા ગયો હતો. રાત્રે બે વાગ્યે પરત ઘરે આવતા મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલો હતો અને તિજોરીના લોકરમાંથી કુલ રૂા.૧.૮૦ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી અજાણ્યા તસ્કરો નાસી છૂટયા હોવાની જાણ થઈ હતી. ઉક્ત ફરિયાદોના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી તસ્કરોનું પગેરૂ મેળવવવાના પ્રયાસો હાથ ધર્યા છે. તો બીજી તરફ, વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા રહીશો જણાવી રહ્યાં છે.


