- બિલ પેમેન્ટ સર્વિસ કંપનીના બેંક ખાતામાંથી 1,22,10,000 અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરાયા, સાયબર ક્રાઈમ પોલીસે નાણાંની હેરાફેરી અંગે તપાસ હાથ ધરી
વડોદરા શહેરમાં સ્ટેટિક IP એડ્રેસ અને ઓનલાઈન બેંકિંગ API કીનો દુરુપયોગ કરી ખાનગી કંપનીના સર્વરમાં અનઅધિકૃત પ્રવેશ કરીને 1.22 કરોડની સાયબર ઠગાઈ આચરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. બિલ પેમેન્ટ સર્વિસ પૂરી પાડતી કંપનીના સર્વરને હેક કરીને અજાણ્યા શખ્સોએ કંપનીના વિવિધ બેંક ખાતાઓમાંથી નાણાં અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે કંપનીના સંચાલકે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાવી છે.
વડોદરામાં બિલ પેમેન્ટ સર્વિસ આપતી ખાનગી કંપની ચલાવતા મિહિરકુમાર પટોડીયા કંપનીના સેટલમેન્ટ માટે વિવિધ બેંકોમાં ખાતા ધરાવે છે. તેઓ બેંક ખાતા ઓપરેટ કરવા NEXASOFT પાસેથી સર્વિસ મેળવે છે, જેનું સર્વર HOSTINC નું છે. અજાણ્યા ઈસમોએ આ સર્વરના સ્ટેટિક IP એડ્રેસનો ઉપયોગ કરીને અનઅધિકૃત રીતે કંપનીના સર્વરમાં સિસ્ટમ પ્રવેશ કર્યો હતો.
સર્વરમાં અનઅધિકૃત પ્રવેશ કર્યા બાદ આરોપીઓએ ઓનલાઈન બેંકિંગ API કી અને ક્રેડેન્શિયલ વિગતોનો ગેરકાયદેસર દુરુપયોગ કર્યો હતો. કંપનીની જાણ કે મંજૂરી વિના આરોપીઓએ બેંક ખાતામાંથી કુલ 1,22,10,000 અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા. આરોપીઓએ અન્ય લોકોની મદદગારીથી ઈલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરી આર્થિક ગુનાહિત કાવતરું રચ્યું હતું.
આ સમગ્ર મામલે આરોપીઓએ વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડી આચરી હોવાનું સામે આવતા ફરિયાદીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઈલેક્ટ્રોનિક માધ્યમોના દુરુપયોગ અને સાયબર ઠગાઈ અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ટેકનિકલ ટ્રેકિંગ દ્વારા નાણાં જે ખાતામાં ટ્રાન્સફર થયા છે તેની તપાસ સાયબર ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.


