- સોનું અને રોકડ પરત નહીં મળતાં આરોપી પ્રિતેશ પંચાલ સામે ફરિયાદ નોંધાવી
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી અને લાઈફ ઈન્સ્યોરન્સ એજન્ટ તરીકે કામ કરતી મહિલા સાથે નવી પોલિસીના બહાને 310 ગ્રામ સોનું અને લાખો રૂપિયાની રોકડ રકમ પડાવીને વિશ્વાસઘાત કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે.
ફરિયાદી બીનાબેન જગદીશભાઈ કોઢીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મિત્ર હર્ષિત જોષીએ ફોન કરીને પ્રિતેશ મલેશભાઈ પંચાલ નામના શખ્સનો પરિચય કરાવ્યો હતો. આરોપી પ્રિતેશે પોતે નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટરનો ભાણીઓ હોવાનું અને દાહોદમાં સોના-ચાંદીનો મોટો વેપાર કરતા હોવાનું જણાવી ખોટી ઓળખ આપી વિશ્વાસ કેળવ્યો હતો.
આરોપી પ્રિતેશ પંચાલે લાઈફ ઈન્સ્યોરન્સનું ગેરેન્ટેડ પ્લાન સમજાવીને તે પોલિસી લેવા માટે રૂ. 5,54,000ની ઘટ હોવાનું કહી બીનાબેન પાસેથી અલગ-અલગ માધ્યમોથી નાણાં મેળવ્યા હતા. આ સાથે જ પોલિસીની સિક્યોરિટી પેટે બીનાબેનના બેંક લોકરમાંથી 310 ગ્રામ જેટલું કિંમતી સોનું પણ મેળવી લીધું હતું.
પ્રિતેશ પંચાલે સોનું લેબમાં ચકાસણી માટે લઈ જવાનું કહીને અલ્કાપુરી દર્શનમ કોમ્પ્લેક્સ ખાતે બોલાવ્યા હતા અને સોનું પોતાની પાસે રાખી લીધું હતું. ત્યાર બાદ સોનું કે રોકડ રકમ પરત માંગતા આરોપીએ અવારનવાર ફોન બંધ કરી દઈને અનેક બહાના બનાવીને ટાળી દીધું હતું.
આ સમગ્ર પ્રકરણમાં આરોપીની બહેન સોનાબેને પણ રકમ અને સોનું પરત અપાવવાની ખાતરી આપી હોવા છતાં અંત સુધી કઈ પરત કરવામાં આવ્યું નહોતું. જેથી ભોગ બનનાર મહિલાએ પ્રિતેશ પંચાલ અને અન્ય સામે વોટ્સએપ ચેટના પુરાવાઓ સાથે લેખિત ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.


