- રેસ્ક્યૂ ટીમે સ્થળ પર પહોંચી વોશિંગ મશીન પાછળથી પકડીને સુરક્ષિત જગ્યાએ મુક્ત કરી
વાઘોડિયા રોડ પર આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા એક પરિવારના ઘરમાં અચાનક સાડા ત્રણ ફૂટથી વધુ લાંબી વિશાળ પાટલા ઘો ઘૂસી આવતાં અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તેનું સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. ત્યારબાદ તેને તેના કુદરતી રહેઠાણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શ્રીનાથજી સોસાયટીમાં રહેતા બસંતભાઈના ઘરે વોશિંગ મશીનની પાછળ વિશાળ સરિસૃપ દેખાતાં પરિવારજનો ગભરાઈ ગયા હતા. તેમણે તાત્કાલિક રેસ્ક્યૂ ટીમનો સંપર્ક કરતા રેસ્ક્યૂઅર નિતિન સોલંકી અને પ્રિતેશ સોલંકી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે કુશળતાપૂર્વક પાટલા ઘોનું રેસ્ક્યૂ કરીને તેને કબજે લેતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, પાટલા ઘો (મોનિટર લિઝાર્ડ) એ સરિસૃપ વર્ગનું મોટું અને બિનઝેરી પ્રાણી છે. સામાન્ય રીતે લોકોમાં માન્યતા હોય છે કે તે ખૂબ ઝેરી હોય છે, પરંતુ હકીકતમાં તે માનવી માટે જોખમી હોતી નથી. ચંદન ઘો અને પાટલા ઘો એક જ પ્રાણીના જુદાં નામ છે. તે નાની ઉંમરે પીળાશ પડતી અને મોટી થતાં કાળાશ પડતા રંગની થાય છે. તેની લંબાઈ 1.75 મીટર કે તેથી વધુ હોઈ શકે છે અને તે નાના જીવજંતુઓ, ગરોળી, સાપ તેમજ ઈંડાંનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.


