- શાલીમાર બગીચા નજીકથી આરોપીને કોર્ડન કરીને ઝડપી પાડ્યો, પેન્ટના ખિસ્સામાંથી સોનાની ચેન મળી, સગીર સાગરીત સાથે ગુનો કર્યાની કબૂલાત, મોપેડ પણ કબજે કર્યું
- યોગેશ કહાર અગાઉ 2023માં વાહનચોરીમાં પાણીગેટ પોલીસના હાથે પકડાઈ ચૂક્યો હતો
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવ પાસે મોર્નિંગ વોકમાં નીકળેલા એક સીનિયર સિટીઝનની સોનાની ચેન સ્નેચિંગ કરનાર આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલીને 21 વર્ષીય આરોપી યોગેશ ઉર્ફે તત્તો રાકેશભાઇ કહાર (રહે. બાવચાવાડ, પાણીગેટ)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે શાલીમાર બગીચા નજીક શંકાસ્પદ હાલતમાં મોપેડ સાથે ઊભેલા યોગેશ કહારને કોર્ડન કરીને ઝડતી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન તેના પેન્ટના ખિસ્સામાંથી સોનાની ચેન મળી આવી હતી, જે અંગે તે કોઈ કાયદેસરના આધાર-પુરાવા રજૂ કરી શક્યો નહોતો.
પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે પોતાના એક સગીર સાગરીત સાથે મળીને કમલાનગર તળાવ પાસે મોર્નિંગ વોક કરી રહેલા નાગરિકના ગળામાંથી આ ચેન આંચકી હતી. પોલીસે ચેન અને મોપેડ કબજે કર્યા છે. ઝડપાયેલો આરોપી યોગેશ કહાર અગાઉ 2023માં પણ વાહન ચોરીના ગુનામાં પાણીગેટ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે.


