- જિલ્લા એસઓજીની ટીમે આરોપીને પકડવા ગામમાં ધામા નાખ્યા હતા, બે દિવસ રેકી બાદ પોલીસે આરોપી પ્રમોદ કંડોરીલાલ લોદીને ખેતરમાંથી ઝડપી પાડ્યો હતો
- વર્ષ 2014માં શ્રીધર પેટ્રોલપંપ લૂંટ કરવા આવેલા અનિલ ઉર્ફે કલ્લુને હથિયાર આપ્યું હતું
પાદરા તાલુકાના અંધારીપુરા ગામ પાસેના પેટ્રોલપંપ પર તમંચાની અણીએ લૂંટ કરનાર મુખ્ય સૂત્રધારના સાગરીત એવા ઉત્તર પ્રદેશના હથિયાર સપ્લાયર તેમજ અનેક ગુનાઓમાં સંડોવાયેલા શખ્સને ઉત્તર પ્રદેશમાં તેના ગામમાંથી જિલ્લા પોલીસે ઝડપી પાડયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ અંધારીપુરા ગામમાં આવેલા શ્રીધર પેટ્રોલપંપ પર મોડી રાત્રે એક બુકાનીધારી શખ્સ ઘૂસ્યો હતો અને પેટ્રોલપંપ પર ઊંઘતા એક કર્મચારીના લમણે તમંચો રાખી તુમ્હારે પાસ જીતના પૈસા હે... ઉતના મુજે દે દો, વરના તમંચા માર દુંગા જેવી ધમકી આપી રોકડ લૂંટી શખ્સ ભાગી ગયો હતો. વર્ષ-૨૦૧૪માં બનેલા આ ગુનામાં લૂંટ કરવા આવેલા શખ્સ અનિલ ઉર્ફે કલ્લુને પોલીસે ઝડપી પાડયો હતો. બાદમાં તેને ચાર વર્ષની સજા પણ થઇ છે.
અનિલ ઉર્ફે કલ્લુને તમંચો આપનાર ઉત્તર પ્રદેશનો સપ્લાયર પ્રમોદ કંડોરીલાલ લોદી (રહે.કેથોરા, તા.બોલતાલ, જિલ્લો મહોલા, ઉત્તર પ્રદેશ)નું નામ ખૂલતા તે ફરાર હતો. દરમિયાન તે તેના ગામમાં જ છે તેવી માહિતીના આધારે જિલ્લા એસઓજીની એક ટીમે ઉત્તર પ્રદેશમાં પ્રમોદના ગામમાં ધામા નાખ્યા હતાં. બે દિવસ સુધી પોલીસે રેકી કરી ત્યારે ગામમાં ભારે વરસાદ અને લાઇટ પણ ન હતી.
દરમિયાન પ્રમોદ તેના ખેતરમાં છે તેવી માહિતીના આધારે તેને દબોચી લઇ વડોદરા લાવી છે. પોલીસે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેની વિરુધ્ધમાં ગુંદાગર્દી નિયંત્રણ અધિનિયમ, એનડીપીએસ, આર્મ્સ એક્ટ, એટ્રોસિટિ સહિત ૯ જેટલા ગંભીર ગુના નોધાયા છે.


