વડોદરાના રામનગર-1માં ગંદા પાણી મુદ્દે પીળા-કાળા પાણીની બોટલો સાથે રહીશોનો પાલિકા સામે વિરોધ

ખોડિયારનગરના રહીશોએ વેરા બિલ સાથે વિરોધ કરી VMC પાસે પ્રાથમિક સુવિધાની માંગ કરી

MailVadodara.com - Residents-of-Ramnagar-1-protest-against-the-municipal-corporation-over-the-issue-of-contaminated-water-carrying-bottles-filled-with-yellow-and-black-water

- છ મહિનાથી સમસ્યા હોવાનો આક્ષેપ, જૂની પાણી-ગટર લાઇનો બદલવાની માંગ

- મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાની ભીતિ, સારા રસ્તા સહિત કાયમી ઉકેલની માગણી

શહેરના વોર્ડ નંબર-૪માં આવેલા ખોડીયારનગર વિસ્તારના રામનગર-૧ના રહીશોએ આજે પ્રાથમિક સુવિધાના મુદ્દે મ્યુનિ. કોર્પોરેશન સામે વિરોધ નોંધાવ્યો છે. આજે સવારે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્ર થયા હતા અને દૂષિત પાણી ભરેલી બોટલો તથા વેરા બિલ દર્શાવી સૂત્રોચ્ચાર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

ખોડિયારનગરમાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોનો વિરોધ

રહીશોના જણાવ્યા મુજબ, ૩૦૦ મકાનો ધરાવતા આ વિસ્તારમાં ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધાની ફરિયાદો છે. પરંતુ છેલ્લા છ મહિનાથી તો પાણીમાં ગટરનું પાણી ભળીને આવી રહ્યું છે. પીળા અને કાળા કલરના પાણીમાંથી તીવ્ર દુર્ગંધ આવે છે. દૂષિત પાણીના કારણે વિસ્તારમાં બાળકો અને વૃદ્ધો બીમારી થઈ રહ્યાં હોવાનું પણ રહીશોએ જણાવ્યું છે.

એમણે કહ્યું કે વિસ્તારમાં ડ્રેનેજ લાઇનો ચોકઅપ થઈ ગઈ છે. આ અંગે અનેક વખત મ્યુનિ. કર્મચારીઓ તેમજ સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરી છે. જોકે અધિકારીઓ અને કાઉન્સિલર સ્થળ પર આવીને માત્ર મુલાકાત લઈને જતા રહે છે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી રહ્યાં નથી.હાલની જૂની પાણી અને ગટરની લાઇનો બદલવાની જરૂર છે.

ઉપરાંત, ગંદકી થવાના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે, જેના કારણે વિસ્તારમાં રોગચાળાનો ભય રહીશોને સતાવી રહ્યો છે. આ વિસ્તારમાં સારો રસ્તો પણ નથી, જેથી રહીશોએ મ્યુનિ. કોર્પેોરેશનને વહેલી તકે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવા માગ કરી છે.

Share :

Leave a Comments