ગોત્રીની શિવાલય હાઈટ્સમાં નવમા માળેથી નીચે પટકાતા બે વર્ષના બાળકનું કરુણ મોત

ગોત્રીમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં કરુણ અકસ્માત, માસૂમ અંશના મોતથી પરિવાર શોકમાં

MailVadodara.com - Tragic-death-of-a-two-year-old-child-after-falling-from-the-ninth-floor-of-Shivalay-Heights-in-Gotri

- મૌર્ય પરિવારનો પુત્ર અંશ રમતા રમતા સીડીઓના ખુલ્લા ભાગમાંથી નીચે પટકાયો હતો

- ઘટના બનતા પરિવારજનો તથા સ્થાનિક લોકો અંશને ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો


વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં રહેતા વાલીઓ માટે લાલબત્તી સમાન કરુણ ઘટના સામે આવી છે. શિવાલય હાઈટ્સ એપાર્ટમેન્ટમાં રમી રહેલો બે વર્ષનો માસૂમ બાળક અચાનક નવમા માળેથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે મૌર્ય પરિવાર સહિત સમગ્ર સોસાયટીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.


પ્રાપ્ત માહિતી અનુસાર, ગોત્રી વિસ્તારમાં આવેલા શિવાલય હાઈટ્સ એપાર્ટમેન્ટના નવમા માળે મૌર્ય પરિવારનો બે વર્ષનો પુત્ર અંશ રમી રહ્યો હતો. દરમિયાન રમતા-રમતા તે સીડીઓ વચ્ચેના ખુલ્લા ભાગમાંથી અચાનક નીચે પટકાયો હતો. ઊંચાઈ પરથી પટકાતા અંશને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ થઈ ગયો હતો.

ઘટના બનતા પરિવારજનો તથા સ્થાનિક લોકો તાત્કાલિક અંશને સારવાર માટે નજીક આવેલી જીએમઈઆરએસ (GMERS) ગોત્રી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.


એકના એક વ્હાલસોયા પુત્રના આકસ્મિક મોતથી મૌર્ય પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારજનોનું રોઈ રોઈને બેહાલ થઈ ગયા હતા. બીજી તરફ, બનાવની જાણ થતાં ગોત્રી પોલીસ સ્ટેશનનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો.


ગોત્રી પોલીસ મથકના પી.આઈ. એચ.બી. ચાવડાએ જણાવ્યું હતું કે, બાળક ઘરની બહાર નીચે ઉતરવાની સીડીઓ વચ્ચે આવેલા ખુલ્લા ભાગમાંથી રમતા-રમતા સીધો નીચે પટકાયો હતો. ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે જીએમઈઆરએસ ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. ગોત્રી પોલીસે સમગ્ર બનાવ અંગે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments