વડોદરા મનપાની બેઠકમાં 75 કરોડના વિકાસકામોને મંજૂરી, સ્થાયીમાં 33 દરખાસ્તો સર્વાનુમતે પાસ

લોકસભા ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતાં પાલિકાની સ્થાયી સમિતિની પ્રથમ બેઠક મળી હતી

MailVadodara.com - Development-works-worth--75-crore-approved-at-Vadodara-Municipal-Corporation-meeting

- મંગલ પાંડે રોડ પાસે વિશ્વામિત્રી કિનારે 73.22 લાખના ફેન્સિંગ કામને મંજૂરી મળી

- દંતેશ્વરમાં વોર્ડ-16 કચેરી અને સરદાર માર્કેટમાં વહીવટી સંકુલ માટે 37.73 કરોડ મંજૂર

- ઉત્તર ઝોનમાં નવી પાણી લાઈનો પણ નંખાશે, શાળાને શોપિંગ સેન્ટરમાં ખસેડવાનો નિર્ણય યથાવત્ રાખ્યો

લોકસભા ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની પ્રથમ મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં એજન્ડા પર મૂકવામાં આવેલી તમામ 33 દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી આપી દેવામાં આવી છે. આશરે 75 કરોડના ખર્ચે થનારા આ વિકાસકામોમાં મનપાની નવી કચેરીઓ, પાણી પુરવઠા યોજનાઓ અને વિશ્વામિત્રી રિવર ફ્રન્ટ ફેન્સિંગ સહિતના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

સૈયદ-વાસણા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રાજા રામમોહનરાય પ્રાથમિક શાળાના નવનિર્માણ અર્થે તેને એક વર્ષ માટે નજીકના એફોર્ડેબલ હાઉસિંગના શોપિંગ સેન્ટરમાં ખસેડવાની દરખાસ્ત મુકાતાં જ રાજકીય વિવાદ સર્જાયો હતો. આ મામલે સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબહેન વ્યાસે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, બાળકોને અભ્યાસ માટે દૂર ન જવું પડે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. શોપિંગ સેન્ટરમાં પીવાના પાણી, શૌચાલય અને ડ્રેનેજ સહિતની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નહીં પડે તેની ખાતરી આપવામાં આવી છે.

વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત મંગલ પાંડે રોડ નજીક નદીના બ્યુટીફિકેશન અને સુરક્ષા માટે એમ.એસ. ફેન્સિંગ કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આ કામ માટે એમ.આર. એન્ટરપ્રાઇઝનું 73.22 લાખનું ટેન્ડર મંજૂર કરાયું છે. આ ઉપરાંત ઉત્તર ઝોનના વોર્ડ નં. 1,2,3,7 અને 13માં નવી વોટર લાઈનો નાખવા માટે નવો કોન્ટ્રાક્ટ ન થાય ત્યાં સુધી વર્તમાન ઇજારદારની નાણાકીય મર્યાદા 10 લાખ સુધી વધારી આપવાની મંજૂરી પણ આપવામાં આવી છે.

પાલિકાની નવી કચેરીઓ અને જન્મ-મરણ શાખા માટે 37.73 કરોડ

શહેરમાં વહીવટી સરળતા માટે નવી કચેરીઓના નિર્માણને લીલી ઝંડી આપવામાં આવી છે. જેમાં દંતેશ્વરમાં વોર્ડ-16 ની કચેરી 4.81 કરોડના ખર્ચે નવી વોર્ડ ઓફિસ તૈયાર કરાશે. તેમજ સરદાર માર્કેટ ખાતે નવી ઈમારત નવાપુરા સ્થિત સરદાર માર્કેટની જગ્યામાં 32.92 કરોડના ખર્ચે નવી જન્મ-મરણ શાખા અને મનપાની અન્ય વહીવટી કચેરીઓનું ભવ્ય સંકુલ ઊભું કરવામાં આવશે.

Share :

Leave a Comments