રમેશનગર-કરોડિયામાં SMCનો દરોડો, 4.60 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા, અન્ય છ ફરાર

વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ, ફરી એકવાર જવાહરનગર પોલીસ ઊંઘતી ઝડપાઈ

MailVadodara.com - SMC-raids-Rameshnagar-Karodiya-two-nabbed-with-foreign-liquor-worth-4-60-lakh-six-others-absconding

- 12,700ની રોકડ રકમ, 5 મોબાઇલ ફોન, દારૂની હેરફેરમાં ઉપયોગ કરાતું સુઝુકી એક્સેસ સ્કૂટર, ક્યુઆર કોડ મશીન તથા અન્ય સામગ્રી સહિત 6,50,480નો મુદ્દામાલ જપ્ત કરાયો

વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રમેશનગર-કરોડિયા વિસ્તારમાં દરોડો પાડીને વિદેશી દારૂના ગેરકાયદે વેપલાનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન 6.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ગેંગના અન્ય છ આરોપી ફરાર થતા શોધખોળ શરૂ કરાઈ છે. ફરી એકવાર જવાહરનગર પોલીસ ઊંઘતી ઝડપાઈ છે.


સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરાના રમેશનગર-કરોડિયા વિસ્તારમાં દરોડો પાડીને આરોપી ખાલીદ કાસમભાઈ શેખ અને અલ્પેશ રાજેન્દ્ર મીહોલિયાને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય ભાગીદાર ઇમરાન ઇબ્રાહીમભાઈ રાઠોડ તેમજ તુફેલ ઇમરાનભાઈ રાઠોડ દરોડા દરમિયાન ફરાર થઈ ગયા હતા. આરોપીઓ ભાગીદારીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગેરકાયદે વેપલો ચલાવતા હતા. રમેશનગર ખાતે આવેલા ઓરડામાં 4,60,780 રૂપિયાની કિંમતની 1,434 વિદેશી દારૂની બોટલો, સંગ્રહ કરવામાં આવી હતી. દારૂના વેચાણ અને હેરાફેરી માટે અન્ય સાગરીતોને પણ જોડવામાં આવ્યા હતા.

આરોપી રફીકશા દિવાન અને સાહિલ રાજ દારૂનો જથ્થો સપ્લાય કરતા હતા, જ્યારે પરવેઝ રાઠોડ અને આરિફ ઉર્ફે જગ્ગા રાઠોડ વેચાણ માટે દારૂનો જથ્થો લઈ જતા હતા. તમામ આરોપીઓએ આર્થિક લાભ મેળવવાના હેતુથી સંગઠિત ગેંગ બનાવી ગેરકાયદે દારૂ વેચતા હતા. દરોડા દરમિયાન પોલીસે રૂ. 12,700ની રોકડ રકમ, પાંચ મોબાઇલ ફોન, દારૂની પેટીઓની હેરફેરમાં ઉપયોગમાં લેવાતું સુઝુકી એક્સેસ સ્કૂટર, પીઓએસ સ્વાઇપ મશીન, ક્યુઆર કોડ મશીન તથા અન્ય સામગ્રી સહિત કુલ રૂ. 6,50,480નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપાયેલા અને ફરાર તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.

Share :

Leave a Comments