- વિશાલ લાલવાણી સામે અગાઉ દારૂ-જુગાર સહિત 5 ગુના, દીપક સામે પણ ગુનો નોંધાયો
વારસિયામાં મહિલાએ ઘરની પાસે પાર્ક કરેલું ટુ વ્હીલર નીચે પાડી દઇ ઝઘડો કરી પથ્થરમારો કરવાના ગુનામાં સામેલ ત્રણ આરોપીઓને કુંભારવાડા પોલીસે ઝડપી પાડયા છે.
વારસિયા વાસવાણી કોલોનીમાં રહેતા પ્રીતિબેન શંકરલાલ બેલાણીએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદની વિગત એવી છે કે, બે દિવસ પહેલા વિશાલ અશોકભાઇ લાલવાણી (રહે. ભાથુજી મંદિર પાસે, વારસિયા) તથા તેની સાથે અન્ય ત્રણ લોકો અમારા મહોલ્લામાં આવ્યા હતા અને મારા ઘરની બહાર પાર્ક થયેલા ટુ વ્હીલરને નીચે પાડી દીધું હતું. અમારી સોસાયટીમાં રહેતા જશવંતભાઇની સાથે ઝઘડો કરી તેમના ઘર પર પથ્થરમારો કર્યો હતો.
કુંભારવાડા પોલીસે આ ગુનામાં સામેલ વિશાલ અશોકભાઇ લાલવાણી (રહે.કોટની પાછળ, વારસિયા), વિપુલ વિજયભાઇ વાઘેલા (રહે. શીતળામાતા મહોલ્લો, વારસિયા) તથા દીપક ધર્મેશભાઇ મારવાડી (રહે. દેવીપુજક મહોલ્લો, વારસિયા) ને ઝડપી પાડયા છે. આરોપી વિશાલ સામે અગાઉ દારૂ, જુગાર અને મારામારીના પાંચ ગુનાઓ નોંધાયા છે. જ્યારે દીપક સામે વારસિયામાં ગુનો દાખલ થયો છે.


