- કોઈ જંગલી પ્રાણી દેખાય તો તેની નજીક ન જઇ અને વનવિભાગને જાણ કરવા અપીલ
પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામમાં જાહેર માર્ગ પર વારંવાર દેખાતો એક મહાકાય મગર આખરે વન વિભાગના પાંજરામાં પુરાઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી મગરના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ હતો.

આ મહાકાય મગર સોખડા ખુર્દ ગામના રસ્તાઓ પર અવારનવાર જોવા મળતો હતો. જેના કારણે ગ્રામજનોમાં ભારે દહેશત ફેલાઈ હતી. ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરતા, વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે મગરને પકડવા માટે યોગ્ય સ્થળે પાંજરું ગોઠવ્યું હતું.
વન વિભાગના પ્રયાસો સફળ રહ્યા અને મહાકાય મગર પાંજરામાં ફસાઈ ગયો. મગરને સુરક્ષિત રીતે પકડ્યા બાદ તેને તેના યોગ્ય કુદરતી નિવાસસ્થાને છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મગરના સફળ રેસ્ક્યૂ બાદ સોખડા ખુર્દના સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે અને સમયસર કાર્યવાહી કરવા બદલ વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે જો કોઈ જંગલી પ્રાણી દેખાય તો તેની નજીક ન જાય અને તાત્કાલિક વિભાગને જાણ કરે.


