- કારમાંથી હરિયાણામાં વેચાણ માટે માન્ય હોય તેવો રૂ.1,89,408ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો, પોલીસે વિદેશી દારૂ, કાર મળીને 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરા શહેરમાં દારૂની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) દ્વારા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ હેઠળ મોટી સફળતા મળી છે. વડસર રોડ પર વિશ્વામિત્રી નદીના ત્રીજા પુલ નજીક અંબિકા કેન્ટીન પાસે દરોડો પાડીને પોલીસે ટાટા પંચ કારમાંથી ગેરકાયદેસર રીતે લવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આ મામલે મૂળ કેરળના અને હાલ ગોરવા વિસ્તારમાં રહેતા શખ્સની ધરપકડ કરી રૂ. 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

પીસીબી પોલીસનો સ્ટાફ સુસેન સર્કલ અને મકરપુરા રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે મૂળ કેરળનો અને ગોરવામાં શિવ ભક્તિ ફ્લેટમાં રહેતો સ્મીજીથ ગોપાલ નાયર પોતાની સફેદ રંગની ટાટા પંચ કારમાં દારૂનો જથ્થો ભરી વડસર પુલ પાસે ઊભો છે. આ બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખીને દરોડો પાડતાં કારચાલક પાસેથી દારૂ સંબંધિત કોઈ માન્ય પાસ-પરમિટ કે પુરાવા મળી આવ્યા નહોતા.
પોલીસે કારની ડીકી તથા પાછળની સીટ નીચે તપાસ કરતાં હરિયાણામાં વેચાણ માટે માન્ય હોય તેવો રૂ.1,89,408ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પીસીબીની ટીમે વિદેશી દારૂ, ટાટા પંચ કાર અને અન્ય મળીને રૂ.7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.


