- ગોત્રીમાં અશ્વમેઘ એવન્યુના ચોથા માળે જામેલી દારૂની મહેફિલમાં કોઈ કારણોસર માથાકૂટ થતાં નબીરાઓએ બેફામ ફાયરિંગ કર્યું હતું, જેમાં સામે આવેલા અંદાજિત 200 મીટર દૂર આરના-48ના 201 અને 203 ફ્લેટ પર ગોળી ગઈ હતી, બંને મકાનમાંથી કારતૂસ મળ્યાં
- ગોળી બાલ્કનીમાંથી મચ્છર જાળી અને કાચ તોડી લાકડાના દરવાજાને પાર થઈ હતી

વડોદરામાં વધુ એક ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી છે. ગઇકાલે (2 જુલાઈ) મોડી રાત્રે 1 વાગ્યે શહેરના ગોત્રી-ભાયલી વિસ્તારમાં પ્રિયા થિયેટર નજીક આવેલા આરના-48 એપાર્ટમેન્ટના બે ફ્લેટ પર અજાણ્યા શખસો દ્વારા ફાયરિંગ થયું હતું. પરિવાર સૂતો હતો ત્યારે આ ઘટના બની હતી. જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બંને મકાનમાંથી કારતૂસ મળી આવ્યા છે. ગોળી બાલ્કનીમાંથી મચ્છર જાળી અને કાચ તોડી લાકડાના દરવાજાને પાર થઈ હતી અને છેક ડ્રોઇંગ રૂમમાં કારતૂસ મળ્યા હતા.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સાથે એલસીબીની ટીમ સ્થળ પર પહોંચી હતી સાથે જ FSLની પણ મદદ લેવાઈ હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી ફાયરિંગ કોણે અને કયા કારણોસર કર્યું તે અંગે તપાસ ચાલુ કરી હતી. હવે આ ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે. જે ફ્લેટ પર ફાયરિંગ થયું છે તે આરના-48 ફ્લેટથી અંદાજિત 200 મીટર દૂર અશ્વમેઘ એવન્યુના ચોથા માળે છાકટા બનેલા નબીરાઓની મહેફિલ જામી હતી. આ મહેફિલમાં કોઈ કારણોસર માથાકૂટ થતાં બેફામ નબીરાઓએ ફાયરિંગ કર્યું હતું. જેમાં સામે આવેલા અંદાજિત 200 મીટર દૂર આરના-48ના 201 અને 301 ફ્લેટ પર ગોળી ગઈ હતી. ફાયરિંગની ઘટના બાદ બેફામ નબીરાઓમાં નાસભાગ મચી હતી અને ભાગતા નબીરાઓ CCTVમાં કેદ પણ થઈ ગયા હતા.આ ઘટના બાદ પોલીસે 5થી 6 નબીરાઓને રાઉન્ડઅપ કર્યા છે અને આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલું હથિયાર પણ કબજે કર્યું છે. બાલ્કની વિસ્તારમાં થયેલા ગોળીબારથી કાચ તૂટી ગયા હતા અને જોરદાર અવાજ સંભળાયો હતો. અવાજ સાંભળીને પરિવારના સભ્યો ઊંઘમાંથી જાગી ગયા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો.

પડોશી બદ્રીશ ચોકસીએ જણાવ્યું કે ફ્લેટમાં એક મોટો અવાજ આવ્યો હતો. હું એમનો પડોશી છું, એટલે મને ફોન આવ્યો કે અહીં આવો. મેં ત્યાં ઘરે આવીને જોયું તો કાચ અને પડદા તૂટેલા હતા. ગોળીબાર થયો હોય કે બુલેટ વાગી હોય તેવું જણાતું હતું અને ત્યાં બુલેટનો પાછળનો ભાગ પણ પડેલો હતો. ઘટનાની તરત જ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ થોડી જ મિનિટોમાં આવીને હાલ તપાસ કરી રહી છે. લગભગ 110 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું અનુમાન છે. આ ઘટના અંગે તાલુકા પોલીસ તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર મહિલા પોતાના માતા-પિતા સાથે એકલી રહે છે અને કોઈ દુશ્મની પણ નથી.

ઉલ્લેખનીય છે કે, વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર 26 જૂનની મોડી રાત્રે 10.27 વાગ્યે ગારમેન્ટનો વ્યવસાય કરતા અને મૂળ દિલ્હીના યુવક પર અજાણ્યા બાઈક સવાર શખસોએ ફાયરિંગ કરતા ચકચાર મચી હતી. આ બનાવમાં કાર ચાલક યુવકને ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઘટનાના આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે ત્યાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે.



