- ઘટનાની જાણ થતાં એમજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી જરૂરી મરામતની કાર્યવાહી હાથ ધરી હતી

વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ફતેપુરા વિસ્તારમાં વીજ થાંભલા પર અચાનક શોર્ટ સર્કિટ થતાં આગના તણખા ઉડ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં એમજીવીસીએલની ટીમ અને કુંભારવાડા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને એમજીવીસીએલની ટીમે સ્થિતિ પર કાબૂ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં હાથીખાના નજીક ભાંડવાડા તરફ જતા માર્ગ પર આવેલા વીજ થાંભલા પર અચાનક શોર્ટ સર્કિટ થતાં આગના તણખા ઉડતા જોવા મળ્યા હતા. ઘટનાના સમયે માર્ગ પરથી પસાર થતાં લોકો અને વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી. વરસાદી માહોલ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ થાંભલા અને ટ્રાન્સફોર્મરમાં સ્પાર્કિંગ તેમજ આગ લાગવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આવી ઘટનાઓને કારણે વીજ સલામતી અંગે ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે.

ઘટનાની જાણ થતાં એમજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી જરૂરી મરામતની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચી ભીડને દૂર રાખી ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી હતી. સમયસર કાર્યવાહી થતાં મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જોકે વરસાદી સિઝનમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થતાં વીજ માળખાની નિયમિત તપાસ અને જાળવણીની માંગ પણ ઉઠી રહી છે.


