- સ્પીડગન મારફતે 1,853 કારચાલકો પાસેથી રૂપિયા 41.44 લાખનો દંડ વસૂલાયો
- હાઇવે પર સૌથી વધુ 1,138 કેસમાં ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ચાલકો પાસેથી રૂ.1.36 લાખનો દંડ ફટકારાયો, છેલ્લા છ મહિનામાં અકસ્માતોમાં 86નાં મોત
માર્ગ અકસ્માતો માટે સૌથી વધુ જવાબદાર એવા બેફામ વાહન ડ્રાઇવિંગ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી સ્પીડગન કાર્યવાહીમાં મોટો આંકડો સામે આવ્યો છે. એક મહિના દરમિયાન શહેરમાં ઓવરસ્પીડ વાહનો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરીને કુલ 1,890 વાહનચાલકો પાસેથી રૂ.42.86 લાખનો દંડ વસૂલ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થયો છે. નવા ફ્લાયઓવર, પહોળા રસ્તા અને ઝડપી કનેક્ટિવિટીના કારણે વાહનચાલકો ઘણીવાર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવતા જોવા મળે છે. છેલ્લા છ મહિનામાં વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોમાં 86 લોકોએ જીવ ગુમાવ્યો છે. વાહન અકસ્માતો માટે સૌથી મોટું કારણ ઓવર સ્પીડ હોવાનું સામે આવતા ટ્રાફિક પોલીસે એક મહિનાની સ્પેશિયલ ડ્રાઇવ યોજી હતી. આ ડ્રાઇવના આંકડા દર્શાવે છે કે શહેરના રસ્તાઓ પર ઓવરસ્પીડિંગની સમસ્યા હજુ પણ ગંભીર અને જીવલેણ છે.
પોલીસ દ્વારા અવારનવાર માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાતા હોવા છતાં કેટલાક વાહનચાલકો બેફામ ઝડપે વાહન હંકારતા રહે છે. સ્પીડગન મારફતે કરાયેલી કાર્યવાહીમાં સૌથી વધુ 1,853 કેસ કારચાલકો સામે નોંધાયા હતા, જેમને કુલ રૂ.41.44 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 33 વાહનચાલકો, જેમાં ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ચાલકોનો પણ સમાવેશ થાય છે, તેમની સામે કાર્યવાહી કરીને રૂ.1.36 લાખનો દંડ ફટકારાયો હતો. નોંધનીય છે કે કુલ 1,890 કેસમાંથી 1,138 કેસ હાઇવે પર નોંધાયા હતા.
ટ્રાફિક પોલીસે વિવિધ પ્રકારના વાહનો માટે સ્પીડ લિમિટ પણ નિર્ધારિત કરી છે. તે મુજબ 8 સીટ સુધીના વાહનો માટે 80 કિમી પ્રતિ કલાક, 9થી વધુ સીટવાળા વાહનો માટે 60 કિમી પ્રતિ કલાક, ભારદારી અને મધ્યમ માલવાહક વાહનો માટે 60 કિમી પ્રતિ કલાક, ટુ-વ્હીલર માટે 60 કિમી પ્રતિ કલાક અને થ્રી-વ્હીલર માટે 50 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપ નક્કી કરવામાં આવી છે. હાઇવે પર થયેલી ઓવરસ્પીડ કાર્યવાહીમાં સૌથી વધુ 1,138 કારચાલકો સામે કાર્યવાહી કરીને રૂ.25.74 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત બે ટુ-વ્હીલર ચાલકો પાસેથી રૂ.3,000 અને 33 થ્રી-વ્હીલર ચાલકો પાસેથી રૂ.1.36 લાખનો દંડ વસૂલાયો હતો. છેલ્લા ત્રણ વર્ષના આંકડા મુજબ જૂન મહિનામાં જીવલેણ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2024માં જૂન દરમિયાન 17 જીવલેણ અકસ્માત, 2025માં 19 અને 2026માં 13 જીવલેણ અકસ્માત નોંધાયા હતા.
શહેરના ચાર દરવાજા વિસ્તારમાં તમામ પ્રકારના વાહનો માટે 30 કિમી પ્રતિ કલાકની સ્પીડ લિમિટ ફરજિયાત રાખવામાં આવી છે. માંડવી ચાર દરવાજા, કાલાઘોડાથી રેલવે સ્ટેશન રોડ, ચોખંડી નાની શાકમાર્કેટથી ગેંડીગેટ દરવાજા, નવાબજાર સર્કલથી ગાંધીનગર ગૃહ થઈ લહેરીપુરા તેમજ વીર ભગતસિંહ ચોકથી જયરત્ન બિલ્ડિંગ સુધીના માર્ગો પર તમામ વાહનો માટે મહત્તમ 30 કિમી પ્રતિ કલાકની ઝડપની મર્યાદા અમલમાં છે.


