ગુજસીટોકના ગુનાના જામીન પર છૂટેલા નામચીન બૂટલેગર ઝુબેર મેમણનો 6.27 લાખનો દારૂ ઝડપાયો

પીસીબીની કાર્યવાહીથી દારૂના નેટવર્કનો ભાંડો ફૂટ્યો, દમણથી લાવ્યાનું આરોપીનું કબૂલાતનામું

MailVadodara.com - Liquor-worth-6-27-lakh-seized-from-notorious-bootlegger-Zubair-Memon-who-was-out-on-bail-in-a-GUJCOC-case

- કારની પાછળની સીટ કાઢી દારૂનો જથ્થો ભર્યો હતો, તુલસી હોટલ પાસે ડિલિવરી થવાની હતી

- પીસીબી પોલીસે કારમાંથી દારૂની ૨,૭૩૩ બોટલ કિંમત રૂપિયા ૬.૨૭ લાખ, કાર, મોબાઇલ ફોન અને રોકડા મળી કુલ રૂપિયા ૧૬.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

બૂટલેગરોને ગુજસીટોકનો પણ ડર રહ્યો નથી. ગુજસીટોકના ગુનામાં લાંબો સમય સુધી જેલમાં રહીને જામીન પર છૂટેલા નામચીન બૂટલેગરે મોકલેલો ૬.૨૭ લાખનો દારૂ ભરેલી કાર પોલીસે પકડી છે. જે દારૂ બૂટલેગર ઝુબેર મેમણનો હોવાના ખુલાસો થયો છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, લક્ષ્મીપુરા રોડ ગોરવા સ્વામી વિવેકાનંદ હાઇટ્સમાં રહેતો વિરેન્દ્ર ઉર્ફે ગબો રાજ નામનો શખ્સ આણંદ પાસિંગની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લાવ્યો છે. દારૂ ભરેલી કાર લઇને તે શહેરમાં ફરી રહ્યો છે. જેથી,પોલીસે તપાસ હાથ ધરતા સયાજીગંજ પૂજા હોટલ નજીકથી સાંજે પોણા સાત વાગ્યે દારૂ ભરેલી કાર પકડી હતી. કારચાલકે પોતાનું નામ વિરેન્દ્ર ઉર્ફે ગબો કિરીટસિંહ રાજ, ઉં.વ.૩૫ (રહે. વિવેકાનંદ હાઇટ્સ) જણાવ્યું હતું. ૭ સીટવાળી કારમાં પાછળની સીટ કાઢી નાખી દારૂનો જથ્થો ભર્યો હતો. પોલીસે કારમાંથી દારૂની ૨,૭૩૩ બોટલ કિંમત રૂપિયા ૬.૨૭ લાખની કબજે કરી હતી. પોલીસે દારૂ, કાર, મોબાઇલ ફોન અને રોકડા મળી કુલ રૂપિયા ૧૬.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 

આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ઝુબેર સફીભાઇ મેમણે ( રહે. વાડી) દમણ ખાતેથી ભરીને આપ્યો છે. આ દારૂનો જથ્થો વડોદરાની તુલસી હોટલ પાસે રાકેશ ઉર્ફે બોસ ઠાકોરને આપવાનો હતો. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જ ઝુબેર પર ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો હતો. જામીન પર છૂટયા પછી ફરીથી તેણે દારૂેનો ધંધો શરૂ કરી દીધો છે. તેની સામે અગાઉ ૬૬ ગુનાઓ નોંધાયા છે અને બે વખત પાસા પણ થઇ છે.

Share :

Leave a Comments