- પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતામાં તેમજ વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી, તમામ નવા નિયુક્ત અધ્યક્ષોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી
વડોદરા જિલ્લા પંચાયત ખાતે મહત્વપૂર્ણ રાજકીય અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જેમાં વિવિધ વિષય સમિતિઓના અધ્યક્ષોની સત્તાવાર નિમણૂંક જાહેર કરવામાં આવી છે. થોડા સમય અગાઉ જિલ્લા પંચાયતની વિવિધ 8 મહત્વની સમિતિઓની રચના કરવામાં આવ્યા બાદ, આજે મળેલી ખાસ કારોબારી સમિતિની બેઠકમાં સર્વાનુમતે આ તમામ સમિતિઓના ચેરમેન પદ માટેના નામોની જાહેરાત કરવામાં આવી છે.

આ નિમણૂંકો આગામી સમયમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ કાર્યોને વેગ આપવા અને વહીવટી કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતામાં તેમજ વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે બાકી રહેલા અધ્યક્ષોના નામો પર મહોર મારવામાં આવી હતી. જિલ્લા પંચાયતની આ આઠ સમિતિઓ શિક્ષણ, આરોગ્ય, બાંધકામ અને સામાજિક ન્યાય જેવા પાયાના ક્ષેત્રો સાથે સીધી જોડાયેલી હોવાથી આ નિમણૂંકો ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. શાસક પક્ષ દ્વારા તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને લાયક અને પક્ષના પાયાના કાર્યકરોને આ સમિતિઓની જવાબદારી સોંપવામાં આવી છે.
આ નિમણૂંકોમાં સૌથી મહત્વની ગણાતી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ભૂમિકાબેન સોલંકીની વરણી કરવામાં આવી છે. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણના સ્તરને સુધારવા, શાળાઓના માળખાકીય વિકાસ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટેની પ્રાથમિકતા ભૂમિકાબેન સોલંકીએ દર્શાવી હતી. આ નિમણૂંક ખૂબ જ અગત્યની સાબિત થશે. શિક્ષણ સમિતિ ઉપરાંત બાકીની અન્ય સમિતિઓના અધ્યક્ષોની પણ વરણી કરાતા લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. તમામ નવા નિયુક્ત અધ્યક્ષોને પંચાયતના હોદ્દેદારો અને સભ્યો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આગામી સમયમાં લોકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
કોણ બન્યા સમિતિઓના ચેરમેન?
કારોબારી સમિતિ - કૈરવીબા વાઘેલા
સામાજિક ન્યાય સમિતિ - નવીન વસાવા
શિક્ષણ સમિતિ - ભૂમિકાબહેન સોલંકી
જાહેર આરોગ્ય સમિતિ - ભાવેશ પટેલ
બાંધકામ સમિતિ - નેહાબહેન બારોટ
અપીલ સમિતિ - જયોત્સનાબહેન રબારી
ઉત્પાદન સહકાર અને સિંચાઈ - મહેન્દ્રસિંહ સોલંકી
મહિલા અને બાળ વિકાસ - રાજવીર પરમાર


