- ચાર વખત લેખિત રજૂઆત છતાં સમસ્યા યથાવત, ડ્રેનેજ ચેમ્બરની બાજુમાં ભૂવો પડતાં બાળકોની સલામતી અંગે રહીશોએ ચિંતા વ્યક્ત કરી, દિવાળી બગડવાની ભીતિ
વડોદરા શહેરના વોર્ડ નંબર 13માં લાલબાગ પાસે આવેલા કુંભારવાડા વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાએ રહીશોને મુશ્કેલીમાં મૂક્યા છે. વિસ્તારનાં 40 ઘરોમાં ગટરના પાણી બેક મારતાં રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. દિવાળી જેવા તહેવારના દિવસોમાં પણ ગંદા પાણી અને દુર્ગંધ વચ્ચે રહેવાની નોબત આવે તેવી સ્થિતિ સર્જાતાં રહીશોમાં રોષ ફેલાયો છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ડ્રેનેજની સમસ્યા અંગે ચાર વખત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા જેટિંગ મશીનથી ગટરની સફાઈ કરવામાં આવે છે, પરંતુ ચાર દિવસ બાદ ફરી ગટરના પાણી બેક મારવાની સમસ્યા શરૂ થઈ જાય છે. વારંવાર સફાઈ કરવા છતાં સમસ્યાનું મૂળ કારણ દૂર કરવામાં આવતું નથી અને રહીશોને ફરી એ જ હાલાકીનો સામનો કરવો પડે છે.
રહીશોએ મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરી હતી. જોકે, દિવાળી પછી કામગીરી કરવામાં આવશે તેવો જવાબ મળ્યો હોવાનું રહીશોએ જણાવ્યું હતું. આ જવાબથી રહીશોમાં નારાજગી છે. દિવાળી પહેલાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તહેવાર દરમિયાન ઘરોમાં ગટરના પાણી ભરાવાની અને અસહ્ય દુર્ગંધની સ્થિતિનો સામનો કરવો પડશે.
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે ગટરના પાણીની દુર્ગંધને કારણે બાળકો બીમાર પડી રહ્યાં છે. વિસ્તારમાં બાળકોની અવરજવર સતત રહે છે. એટલું જ નહીં, ડ્રેનેજ ચેમ્બરની બાજુમાં ભૂવો પણ પડ્યો છે. જો કોઈ બાળક ભૂવામાં ખાબકે અને ગંભીર દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ રહીશોએ ઉઠાવ્યો છે.
રહીશોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે પણ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ચૂંટણી વખતે મત લેવા માટે નેતાઓ દોડીને આવે છે, પરંતુ મધ્યમ વર્ગના પરિવારોની મુશ્કેલી જોવા કોઈ તૈયાર નથી. વર્ષોથી રહેતા પરિવારોને ગંદકી અને દુર્ગંધ વચ્ચે જીવવાની ફરજ પડી રહી છે. દિવાળી પહેલાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે અને અમારી દિવાળી બગડશે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓનાં ઘરે જઈ ધરણાં કરવાની ચીમકી પણ રહીશોએ ઉચ્ચારી છે.


