- ૯.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કરાયો, સાગર ભાલીયા સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા
વાઘોડિયા રોડ બાપોદ પાસે દારૂના કટિંગ સમયે જ એલ.સી.બી. ઝોન - ૪ ની ટીમે દરોડો પાડીને ૩.૬૭ લાખના દારૂ સાથે મુખ્ય આરોપીને ઝડપી પાડયો છે. જ્યારે અન્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.
એલ.સી.બી. ઝોન - ૪ ની ટીમને માહિતી મળી હતી કે, બાપોદ હિરાબાનગર ખુલ્લા મેદાન પાસે યોગેશ ચાવડા તથા તેના માણસો દારૂનું કટિંગ કરે છે. જેથી, ડીસીપી એન્ડ્રુઝ મેકવાનની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડી હતી. ત્રણ લોકો કારમાં પુઠ્ઠાના બોક્સની હેરાફેરી કરતા હતા.
પોલીસે કોર્ડન કરીને એક આરોપી યોગેશ મનુભાઇ ચાવડા (રહે. ધનલક્ષ્મી સોસાયટી, વાઘોડિયારોડ) ને ઝડપી પાડયો હતો. જ્યારે ભાગી ગયેલા સાગર બિપીનભાઇ ભાલીયા (રહે.બાકરોલ, તા.વાઘોડિયા), વિશાલ ગોહિલ (રહે. રહે. શંકરપુરા ગામ) તથા ભાવેશ ચૌહાણ ના નામ પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન ખૂલ્યા હતા. પોલીસે સ્થળ પરથી ૩.૬૭ લાખનો દારૂ કબજે કર્યો છે. દારૂ ઉપરાંત કાર અને મોબાઇલ ફોન મળીને કુલ ૯.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.


