- વડોદરા ગેસ લિમિટેડે CNGના ભાવમાં 1.50 અને ઘરેલુ રાંધણગેસમાં 0.50નો વધારો ઝીંક્યો
વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકો માટે મોંઘવારીના મોરચે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા (VMC) અને ગેઇલ ગેસ લિમિટેડ (GAIL)ના સંયુક્ત સાહસ એવી વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા સી.એન.જી. (CNG) તેમજ પાઇપ્ડ નેચરલ ગેસ એટલે કે ઘરેલુ પી.એન.જી. (PNG)ના છૂટક વેચાણ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. આ નવો ભાવવધારો તાત્કાલિક અસરથી અમલમાં આવી ચૂક્યો છે, જેના પગલે વાહનચાલકો અને સામાન્ય પરિવારો પર સીધો આર્થિક બોજ વધશે.
કંપની દ્વારા કરવામાં આવેલા વધારા મુજબ, વડોદરા જિલ્લામાં અત્યાર સુધી CNG પ્રતિ કિલો 89ના ભાવે મળતો હતો. તેમાં પ્રતિ કિલો 1.50નો વધારો ઝીંકવામાં આવતાં હવે ગ્રાહકોએ પ્રતિ કિલો 90.50 ચૂકવવા પડશે. CNGના ભાવ 90ને પાર પહોંચી જતાં રિક્ષાચાલકો, કેબચાલકો અને ખાનગી વાહનમાલિકોના માસિક બજેટ પર નોંધપાત્ર અસર પડશે.
વાહનોના ઇંધણ ઉપરાંત ઘર વપરાશ માટે ઉપયોગમાં લેવાતા ઘરેલુ PNG (વેટ સિવાય)ના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ઘરેલુ PNGનો ભાવ 55.74 પ્રતિ એસ.સી.એમ. (SCM) હતો, જે હવે વધીને 56.24 પ્રતિ એસ.સી.એમ. થઈ ગયો છે. આમ, ઘરેલુ ગેસના ભાવ વધતાં ગૃહિણીઓના રસોડાનું બજેટ પણ ખોરવાશે.
વડોદરા ગેસ લિમિટેડ દ્વારા આ ભાવવધારા પાછળ આંતરરાષ્ટ્રીય બજાર અને વિદેશી હૂંડિયામણના દરોને જવાબદાર ગણાવવામાં આવ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર-2025થી સપ્ટેમ્બર-2026 દરમિયાન આર.એલ.એન.જી. (RLNG)ની લેન્ડેડ કિંમતમાં આશરે 26 ટકા અને ઘરેલુ કુદરતી ગેસની કિંમતમાં આશરે 19 ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત, આ જ સમયગાળા દરમિયાન અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં અંદાજે 8 ટકાનો ઘટાડો થયો છે. ડોલર સામે રૂપિયો નબળો પડવાના કારણે ગેસની આયાત વધુ મોંઘી બની છે, જેના પરિણામે સ્થાનિક ગ્રાહકો પર આ આર્થિક બોજ નાખવાની ફરજ પડી હોવાનું કંપની વતી સ્પષ્ટ કરવામાં આવ્યું છે.


