- મોબાઇલ રિપેરિંગ માટે આવેલા દંપતીને અકસ્માત, ફાયર વિભાગે અગાઉ નોટિસ આપી હોવાનું જણાવ્યું
વડોદરામાં રાજમહેલ રોડ પર આવેલા મરીમાતાના ખાંચામાં ગઈકાલે રાત્રે સાત વાગ્યાના અરસામાં માતૃપ્રેમ બિલ્ડિંગના ત્રીજા માળનો સ્લેબ ધરાશાયી થતાં એક મહિલાને ઇજા પહોંચી હતી. અલકાપુરીની ઊર્મિ સોસાયટીમાં રહેતું દંપતી મોબાઇલ રિપેરિંગ માટે આ વિસ્તારમાં આવ્યું હતું. આ દરમિયાન સ્લેબનો મોટો ભાગ તૂટી પડતાં મહિલાને હાથમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. તેમને ખાનગી વાહન મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
ઉદયન શાહે જણાવ્યું હતું કે તેઓ મોબાઇલ રિપેરિંગ માટે આવ્યા હતા. પાર્કિંગની જગ્યા ન હોવાથી પત્નીને સ્કૂટર સાથે એક તરફ ઊભી રાખીને પોતે દુકાનમાં મોબાઇલ રિપેરિંગ કરાવવા ગયા હતા. દરમિયાન અચાનક ધડામ દઈને અવાજ આવતાં તેઓ દુકાનની બહાર દોડી આવ્યા હતા. ત્યારે બિલ્ડિંગનો મોટો સ્લેબ ધરાશાયી થયો હોવાનું અને પત્ની વૈશાલી શાહ (51)ને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનામાં સ્કૂટરને પણ નુકસાન થયું છે. ઉદયન શાહે આ મામલે રાવપુરા પોલીસને અરજી આપી કાર્યવાહી કરવાની માગ કરી છે.
ઉદયન શાહે મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે જર્જરિત ઇમારતો સામે તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માને છે. આવી ઇમારતો દૂર કરવા માટે નક્કર કાર્યવાહી થતી નથી. કોઈનો જીવ જાય તો તેની જવાબદારી કોણ લેશે? મરીમાતાના ખાંચામાં ઇમર્જન્સી વાહનો પણ સરળતાથી પહોંચી શકે તેવી સ્થિતિ નથી. આ વિસ્તાર ભવિષ્યમાં મોટી જાનહાનિનું કારણ બની શકે છે. જર્જરિત ઇમારતો તાત્કાલિક ઉતારી દબાણો દૂર કરવા જોઈએ અને તંત્રને કામે લગાડવું જોઈએ.
ઇજાગ્રસ્ત વૃદ્ધાના પુત્ર પ્રણવ શાહે જણાવ્યું હતું કે ત્રીજા માળે વાંદરો કૂદતાં સ્લેબનો ભાગ તૂટી પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં માતાને ઇજા થવા ઉપરાંત વાહનને પણ નુકસાન થયું છે. બીજી તરફ ફાયર વિભાગના જણાવ્યા મુજબ આ ઇમારતને અગાઉ નોટિસ આપવામાં આવી છે. આ વિસ્તારમાં અવારનવાર વાહનો પાર્ક થવાની ફરિયાદો મળતી હોવાથી તપાસ માટે પણ જવું પડે છે. મકાનમાલિકે બિલ્ડિંગ ઉતારવા અથવા જરૂરી કાર્યવાહી કરવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવી ઘટના બને નહીં અને જાનહાનિ અટકાવી શકાય.


