- રોજના ફોરવ્હીલર ટેસ્ટ 105થી વધારી 144 કરાયા, પાર્કિંગની સીમા સમજાવવા થાંભલા મૂકાયા
વડોદરાના દરજીપુરા સ્થિત આરટીઓ ઓફિસ ખાતે જૂન મહિનાથી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે નવો એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક કાર્યરત કરાયો છે. આ ટ્રેક પર વાહનચાલકોની ડ્રાઇવિંગ ક્ષમતાની વિવિધ કસોટીઓ લેવામાં આવે છે. જોકે, નવા ટ્રેક પર ટેસ્ટ આપતા ફોર વ્હીલર ઉમેદવારો મોટી સંખ્યામાં ફેલ થઈ રહ્યા હોવાથી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના વેઇટિંગ લિસ્ટમાં સતત વધારો થઈ રહ્યો છે.
ફોરવ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન પેરેલલ પાર્કિંગની કસોટી પણ લેવામાં આવે છે. આ કસોટીમાં નિર્ધારિત જગ્યા અને માપદંડ મુજબ વાહન પાર્ક કરવાનું હોય છે. જોકે, પાર્કિગ માટેની જગ્યા અને તેની મર્યાદાનો યોગ્ય અંદાજ નહીં આવવાને કારણે અનેક ઉમેદવારો ફેલ થતાં હોવાનું સામે આવ્યું છે. ઉમેદવારોમાં ફેલનું પ્રમાણ ઘટે અને તેમને પાર્કિંગની જગ્યા સમજવામાં સરળતા રહે તે હેતુથી આરટીઓ તંત્ર દ્વારા પેરેલલ પાર્કિંગ વિસ્તારમાં આઠ પ્લાસ્ટિકના થાંભલા લગાવાયા છે.
આ થાંભલાઓના કારણે વાહનચાલકોને પાર્કિંગ માટેની જગ્યા અને તેની સીમાનો અંદાજ મળી શકશે. જેથી વાહન યોગ્ય રીતે પાર્ક કરવામાં મદદ મળશે. જોકે નવા એઆઈ ટ્રેક પર ફેલ થનારા ઉમેદવારોની સતત વધતી સંખ્યા અને તેના કારણે ઊભા થતા વેઇટિંગનો પ્રશ્ન હજુ પડતર છે.
ગઇકાલે શુક્રવારે સાંજે ૭ વાગ્યા સુધીમા ફોરવ્હીલર ડ્રાઈવિંગના ૧૨૦ ટેસ્ટ થયા હતા, જેમાં માત્ર ૧૬ ઉમેદવારો પાસ થયા છે, જ્યારે ૧૦૪ ફેલ થયા છે. વેઈટિંગ લિસ્ટમાં ઘટાડો કરવા આરટીઓ વિભાગે રોજ લેવાતા ફોર વ્હીલર ટેસ્ટની સંખ્યા ૧૦૫થી વધારીને ૧૪૪ કરી છે.


