- એક કલાકની ભારે જહેમત બાદ સફળ બચાવ કામગીરી
વડોદરા નજીક આવેલા જાંબુવા જીઈબી સબસ્ટેશન પરિસરમાં મોડી રાત્રે એક વિશાળ અજગર આવ્યો હોવાની ઘટના સામે આવી છે. રાત્રીના પોણા બાર વાગ્યાની આસપાસ સ્થાનિક કિશોરભાઈ દ્વારા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને ફોન કરીને આ અંગેની જાણ કરાઈ હતી, જેને પગલે વન્યજીવ બચાવવાની કવાયત હાથ ધરાઈ હતી.

માહિતી મળતાની સાથે જ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત અને સંસ્થાના અન્ય કાર્યકર્તાઓ વડોદરા વન વિભાગના અધિકારીઓને સાથે રાખીને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થળ પર તપાસ કરતાં ત્યાં આશરે સાત ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો, જેને સુરક્ષિત રીતે પકડવા માટે રેસ્ક્યૂ ટીમ દ્વારા ત્વરિત આયોજન કરવામાં આવ્યું હતું.
વન વિભાગના સહયોગ અને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમ દ્વારા સતત એક કલાકની ભારે જેહમત બાદ અજગરનું સફળતા પૂર્વક રેસ્ક્યૂ કરાયું હતું. કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં જ અજગરને સુરક્ષિત રીતે પકડી લઈ આગળની કાર્યવાહી અર્થે વડોદરા વન વિભાગને સુપરિપોર્ટ કરવામાં આવ્યો હતો.


