- રકમ ઉપાડવા પર્ફોમન્સ ફી તરીકે 20 ટકા એટલે કે 19.25 લાખની વધારાની માંગણી કરાઈ
વડોદરાની આઇટી કંપનીમાં નોકરી કરતા એક યુવક સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે 13.63 લાખની છેતરપિંડી થતા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.
વાઘોડિયા રોડ ગુરુકુળ નજીક ગોવર્ધન ટાઉનશિપ ખાતે રહેતા કેવલ ઉમરીયાએ પોલીસને કહ્યું છે કે તા.27મી જુલાઈએ મને સ્ટોક માર્કેટ એડવાઈઝર તરીકે એક મેસેજ આવ્યો હતો જેની પ્રોફાઈલ ચેક કર્યા બાદ એક ગ્રુપમાં જોડવા લિંક મોકલવામાં આવી હતી. મને રોજ 10 થી 15 ટકા જેટલું રિટર્ન મળી શકે છે તેવી વાત કરવામાં આવી હતી.
યુવકે કહ્યું છે કે થોડો સમય સુધી મેં ગ્રુપમાં આવતી માહિતી તેમજ શેમ્કો સિક્યુરિટીઝ લિમિટેડ ઓનલાઈન સર્ચ કરતા આ કંપની રજીસ્ટર થયેલી હોવાનું જાણવા મળ્યું હતું તેમજ તેના ફાઉન્ડર જીમિત મોદી વિશે સર્ચ કરતા તેને પણ સમર્થન મળ્યું હતું.
મને વીઆઈપી ગ્રુપમાં જોઈન કરવામાં આવ્યો હતો અને ટ્રેડિંગ એકાઉન્ટની પરમિશન આપવામાં આવી હતી. ઇન્વેસ્ટરે કહ્યું છે કે અમે સેમ પ્રો એપ્લિકેશનમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું અને તેમાં મારું બેલેન્સ પણ દેખાતું હતું શરૂઆતમાં અમારે એકાઉન્ટમાં 20,000 રૂપિયા જેટલી રકમ જમા પણ થઈ હતી. જેથી વિશ્વાસ આવતા ટુકડે ટુકડે રૂ.13.63 લાખનું રોકાણ કર્યું હતું. જેની સામે 700% પ્રોફિટ દેખાતો હતો અને મારું બેલેન્સ 96 પણ 25 લાખ દેખાતું હતું. પરંતુ આ રકમ ઉપાડવા માટે મારી પાસે પર્ફોમન્સ ફી તરીકે 20 ટકા એટલે કે 19.25 લાખ રૂપિયા જમા કરવાનું કહેવાયું હતું અને બે દિવસનો સમય આપ્યો હતો.
મારી પાસે પૈસા નહીં હોવાથી અને આ દરમિયાન ઓરીજનલ સેમકો કંપનીના જીમિત મોદીએ એક વિડીયો વાયરલ કરી તેમના નામે બોગસ એકાઉન્ટ ખોલીને ફ્રોડ કરવામાં આવતું હોવાનું જણાવતાં મારી સાથે ઠગાઈ થઈ હોવાનું જણાયું હતું અને સાયબર સેલને જાણ કરી હતી.


