- શિક્ષકની હાજરીમાં બે સાગરીતોએ પણ માર માર્યો, 'ચકો' નામના શખ્સે માથામાં ઘા ઝીંક્યો
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી શાળા બહાર વિદ્યાર્થી સાથે થયેલી બબાલને શાંત પાડવા વચ્ચે પડેલા શાળાના કર્મચારી પર અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયાર વડે જાનલેવા હુમલો કર્યો છે. આ હુમલામાં ગાયત્રી વિદ્યાલયના પટાવાળા મુકેશકુમાર પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં ગોત્રી જનરલ હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં તેમના માથામાં 5 ટાંકા આવ્યા છે. ઘટના સંદર્ભે ગોત્રી પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

ગાયત્રી વિદ્યાલયમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર પટેલ અને શિક્ષક મનીષભાઈ પટેલને જાણ થઈ હતી કે, શાળા બહાર કેટલાક શખ્સો એક વિદ્યાર્થીને પકડીને ઝઘડો કરી રહ્યા છે. કર્મચારીઓ તાત્કાલિક શાળાના ગેટ પાસે દોડી ગયા હતા અને વિદ્યાર્થીને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વેળાએ ટોળામાંથી 'ચકો' નામનો શખ્સ અને તેના બે અજાણ્યા સાગરીતો શાળાના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી ઝઘડવા લાગ્યા હતા.
ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા 'ચકા' નામના શખ્સે બિભત્સ ગાળો આપીને મુકેશકુમારના માથા પર તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી દીધો હતો, જ્યારે તેના અન્ય બે સાગરીતોએ ગડદાપાટુનો માર માર્યો હતો. શિક્ષક મનીષભાઈએ મુકેશકુમારને વધુ મારથી છોડાવ્યા હતા. લોહીલુહાણ થયેલા પટાવાળાને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગોત્રી પોલીસે ઈજાગ્રસ્ત કર્મચારીની ફરિયાદના આધારે હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


