- રાજવીરસિંગ સીકલીગર સામે દિલ્હી અને વડોદરામાં અગાઉ પણ ચોરીના ગુના નોંધાયેલા છે
વડોદરાની માંજલપુર પોલીસે દિલ્હીના રાજીન્દ્ર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી રૂ.1.60 કરોડની ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે.
માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમે તા.28/10/2026ના રોજ કોમ્બિંગ નાઇટ દરમિયાન દરમિયાન માહિતી મળી હતી કે, દિલ્હીના સેન્ટ્રલ બ્રાંચ રાજીન્દ્ર નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ.1.60 કરોડની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરીનો આરોપી વડોદરામાં છુપાયેલો છે.
બાતમી મુજબ, આરોપી રાજવીરસિંગ હરજીતસિંગ સીકલીગર (રહે. મ.નં.272, દત્ત નગર, વોટર સપ્લાયની ગલીમાં, ગુરૂદ્વારા પાસે, આજવા રોડ, વડોદરા) આજવા રોડ પર આવેલી એકતા નગર રજવાડી ચાની દુકાન પાસે બેઠો હતો. બાતમીદાર દ્વારા આરોપીના પહેરવેશ (માથે પીળી પાઘડી, કાળું ડિઝાઇનવાળું ટી-શર્ટ અને આછા બ્લ્યુ કલરનું જીન્સ પેન્ટ) વિશે ચોક્કસ વિગતો આપવામાં આવી હતી.
માહિતીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડીને બાતમી વાળી જગ્યાએથી આરોપીને ઝડપી લીધો હતો. જરૂરી કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ આરોપી આગળની તપાસ માટે દિલ્હી પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આરોપી રાજવીરસિંગ સીકલીગર અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં દિલ્હીના બદરપુર પોલીસ સ્ટેશનમાં ચોરી તથા વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં સ્નેચિંગ/ચોરીના ગુના નોંધાયેલા છે.


