- બે બિનવારસી બેકપેકમાંથી ૧૨ બંડલ મળ્યા, રેલવે પોલીસે ૫.૯૨ લાખની કિંમતનો ગાંજો જપ્ત કર્યો
લાંબા અંતરની ટ્રેનમાં ફરી એક વખત બિનવારસી બેગોમાં મૂકેલો ગાંજાનો જથ્થો રેલવે પોલીસે ઝડપી પાડયો છે. વરણામા પાસેથી પસાર થતી વખતે ટ્રેનમાં તપાસ દરમિયાન બે બેગમાંથી ૧૧.૮૫ કિલો ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ રેલવેની એન્ટી નાર્કોટિક્સ ટીમનો સ્ટાફ ટ્રેનોમાં નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે પેટ્રોલિંગમાં હતો. ગઇકાલે તેઓ અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ચેકિંગ કરતા હતા ત્યારે વરણામા રેલવે સ્ટેશન પસાર થયા બાદ ટ્રેનના એન્જિન પછી બે જનરલ કોચમાં વચ્ચેના ભાગમાં બે બેકપેક બિનવારસી હાલતમાં જોવા મળી હતી.
આ બંને બેગો કોની માલિકીની છે તે અંગે તપાસ કરવા છતાં કોઇ માલિક મળ્યો ન હતો જેથી પોલીસે એક મરૂન તેમજ બીજી વાદળી રંગની બેગની ચેન ખોલી તપાસ કરતા અંદરથી ખાખી રંગની સેલોટેપ બાંધેલ ૧૨ બંડલો મળ્યા હતાં. આ બંડલોમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ હોય તેવી તીવ્ર વાસ આવતી હોવાથી તેમાં ગાંજો હોવાની આશંકા સાથે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર આવતા બંને બેગો સાથે સ્ટાફ ઉતરી ગયો હતો.
પોલીસે બેગોમાં મળેલા પદાર્થ અંગે એફએસએલના અભિપ્રાય લેતા વનસ્પતિજન્ય પદાર્થમાં કેનાબીસના ઘટકો હોવાથી તે ગાંજો હોવાનું ફલિત થયું હતું. પોલીસે રૂા.૫.૯૨ લાખ કિંમતનો ૧૧.૮૫૫ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


