ઉંડેરામાં 8 માસની પુત્રીને પડોશીને આપી રિલાયન્સ એન્જિનિયરની પત્નીનો ગળેફાંસો ખાઈને આપઘાત

પ્લોટ ખરીદવા પિયરમાંથી 2 લાખ લાવવાનું કહી પતિ સહિત સાસરીયા ત્રાસ ગુજારતા હતા

MailVadodara.com - Reliance-engineers-wife-commits-suicide-by-hanging-herself-in-Undera-after-handing-over-her-8-month-old-daughter-to-a-neighbor

- આરોપી પતિ સુધીરે મૃતકના મોટા ભાઈ સુનીલને મેસેજ કર્યાં હતા કે, તમારી બહેન સીમાને કહો કે, મારો ફોન રિપેર કરાવી આપે, નહીં તો હું તેને જાનથી મારી નાખીશ

- મહિલાએ પેનથી પગ પર સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મેં જા રહી હું દુનિયા સે, પતિ અપને ઘરવાલો કો ખૂશ રખે મેં સહન નહીં કર પાઈ પિટાઈ, પતિ, સાસુ-સસરાની ધરપકડ


પગમાં સુસાઈડ નોટ લખીને વડોદરામાં રિલાયન્સ એન્જિનિયરની પત્નીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. લગ્નના ત્રણ વર્ષમાં જ પ્લોટ ખરીદવા માટે પિયરમાંથી  2 લાખ લાવવાનું કહી પતિ સહિત સાસરીયા ત્રાસ ગુજારતા હતા. આ ત્રાસથી કંટાળીને ઉંડેરાની રિલાયન્સ ટાઉનશિપમાં સીમાબેને પોતાની 8 મહિનાની બાળકીને પડોશીને સોંપી ગળેફાંસો ખાઈ જીવન ટૂકાવ્યું હતું. મહિલાએ પગમાં પેનથી સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મેં જા રહી હું દુનિયા સે, પતિ અપને ઘરવાલો કો ખૂશ રખે મેં સહન નહીં કર પાઈ પિટાઈ'. ત્યારે પતિ, સાસુ અને સસરા સામે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

ઉત્તરપ્રદેશના કાસકંજમાં રહેતા અનિલકુમાર ધનપાલસિંહ જાટવ એનટીપીસી લી.માં નોકરી કરે છે. તેમની નાની બહેન સીમાના લગ્ન 22, જૂન 2023માં હાથરસ જિલ્લાના સુધીરકુમાર અનેકસિંહ (રહે, રીલાયન્સ ટાઉનશીપ, ઉંડેરા) સાથે થયા હતા. જે સુધીર રીલાયન્સમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે, જેના કારણે તેઓ વડોદરામાં રહેવા આવ્યા હતા. તેમને એક 8 મહિનાની દીકરી પણ છે.


મૃતકના ભાઈની ફરિયાદ મુજબ, મે-2026માં સુધીરકુમારે ફોન કરીને પ્લોટ ખરીદવા બે લાખ રુપિયાની માંગણી કરી હતી. જો કે તેમણે જુલાઈ સુધી રાહ જોવા કહ્યું હતું, પરંતુ સુધીરે સીમા સાથે વાત કરવા દીધી નહોતી. આ દરમિયાન સીમાએ અનિલને જણાવ્યું હતું કે, સસરા અનેકસિંહ અને સાસુ શીલાદેવી પતિને પિયરમાંથી રૂપિયા મગાવવા ઉશ્કેરે છે. પતિ પિયરમાંથી રુપિયા લાવવા માનસિક ત્રાસ આપતો હતો. આ અંગેની જાણ સીમાએ પોતાની માતા અને ભાભીને પણ કરી હતી.


એટલું જ નહીં 8 ઓગસ્ટે સુધીરે અનિલકુમારના મોટા ભાઈ સુનીલને મેસેજ કર્યાં હતા કે, તમારી બહેન સીમાને કહો કે, મારો ફોન રિપેર કરાવી આપે. નહીં તો હું તેને જાનથી મારી નાખીશ. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, સીમા અને સુધીર વચ્ચે ઝઘડામાં સુધીરનો ફોન તુટી ગયો હતો. ઝઘડા બાદ સુધીર 9 ઑગસ્ટે સવારે ફોન રિપેર કરાવવા ગયો હતો. આ સમયે સીમાબેને 8 મહિનાની પુત્રીને ઉપરના માળે રહેતા પડોશીને આપીને તેમને કહ્યું હતું કે, હું રસોઈ બનાવું છું, તમે પુત્રીને સાચવજો. જો કે અડધો કલાક બાદ પુત્રી રડતા પડોશી સીમાબેનના ઘરે જતાં ગળે ઓઢણીથી ફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું હતું.


સુધીરે અનિલકુમારની (મૃતકના ભાઈ) પત્નીને ફોન કરીને સીમાએ આપઘાત કર્યાંની જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ સીમાનો પરિવાર વડોદરા દોડી આવ્યો હતો. આપઘાત બાદ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં સીમાના પગ પર પેનથી સુસાઈડ નોટ લખેલી મળી હતી. જે સુસાઈડ નોટ માત્ર ચાર લાઈનની જ લખી હતી.

સીમાની માતાએ પોલીસ પૂછપરછમાં કહ્યું હતું કે, સુધીર થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશ આવ્યો હતો. તે 50 હજારની માગણી કરતો હતો. જો કે તે સમયે રૂપિયા ન હતા એટલે તેને આપ્યા ન હતા. એટલું જ નહીં પિયરપક્ષ સીમા સાથે વાત ન કરી શકે તે માટે સુધીરે સીમાના ફોનમાં તમામના નંબરને બ્લોક કરી દીધા હતા. સુધીર પોતાના ફોનથી પણ સીમાને પિયરપક્ષ સાથે વાત કરવા દેતો ન હતો. સીમા તેના ત્રાસથી લાંબા સમયથી કંટાળી ગઈ હતી. આખરે આ ત્રાસથી કંટાળીને સીમાએ જીવન ટૂંકાવ્યુ હતું. જવાહરનગર પોલીસે પતિ સુધીરકુમાર, સસરા અનેકસિંહ અને સાસુ શીલાદેવી સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments