- 27,940 કિલો વજનના સળિયા લઈને નીકળેલા ડ્રાઇવરે નિયત સ્થળે પહોંચાડવાના બદલે ટેમ્પો તરસાલીમાં લઇ જઇ અન્ય આરોપીઓ સાથે મળી 870 કિલો સળિયા વેચી દીધા હતા
કન્સટ્રક્શન સાઇટ પર સળિયાની ડિલીવરી માટે નીકળેલા ડ્રાઇવરે અન્ય આરોપીઓ સાથે ભેગા મળીને ૮૭૦ કિલો સળિયા અન્યને વેચી દીધા હતા.
ગોત્રી સોસાયટીમાં રહેતા રોહન રમેશભાઇ બંસલ જરોદ ખાતે RRR સ્ટીલ રોલિંગ મિલ્સ પ્રા.લિ. નામની કંપની ચલાવે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વડોદરાની બે સાઇટ પર સળિયાના ઓર્ડરની ડિલીવરી કરવા માટે અમારી કંપનીના ડિસ્પેચ મેનેજર અનુપસિંગ પુનીયાએ ટ્રુલેક્સ લોજિસ્ટિક પ્રા.લિ. ના રતન પંચાલ ઉર્ફે રતન મારવાડીનો સંપર્ક કર્યો હતો. રતન પંચાલે ડ્રાઇવર રતન લોહારને ટ્રક લઇને જરોદ મોકલ્યો હતો. કુલ ૨૭,૯૪૦ કિલો વજનના સળિયા ભરીને ડ્રાઇવર નીકળી ગયો હતો. ત્યારબાદ આરોપીઓએ ભેગા મળીને નિયત સ્થળે સળિયા પહોંચાડવાના બદલે તરસાલી રિધમ બંગ્લોઝ ખાતે ટેમ્પો લાવી ૮૭૦ કિલો સળિયા કિંમત રૂપિયા ૪૫ હજારના ઉતારી દઇ મનોજ કીરીને વેચી દીધા હતા. જે અંગે પોલીસે રતનલાલ શંકરલાલ લોહાર, રાજેશ ગુલાબાઇ વણજારા, ધનસીંગ વણજારા, મેહુલ ભરવાડ, નિલેશ, રાજુ, અજય, હરિશ, મનોજ કીરી, રતન પંચાલ, લેહરૂ તથા નિલેશ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


