- પોલીસે 3,65,800 રૂપિયાની કિંમતનું 18.290ગ્રામ હેરોઇન, રૂ.50,050 રોકડ તથા એક મોબાઇલ ફોન, મળી કુલ રૂપિયા 4,20,850નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કર્યો હતો
વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર હેરાફેરી સામે SOG દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન બાજવા-છાણી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી SOG ટીમે મળેલી બાતમીના આધારે કરચીયા રોડ, ઇન્દીરાનગરમાં રેલવે ટ્રેક નજીક આવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી 18.290 ગ્રામ હેરોઇનના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો. પોલીસે કુલ રૂ.4,20,850નો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

SOG પીઆઇ બી.ડી. જીતીયાની સૂચના હેઠળ PSI આર.એચ. સિદી અને સ્ટાફ બાજવા-છાણી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન SOGની ટીમને બાતમી મળી હતી કે, કરચીયા રોડના ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતો જગદીપસિંગ ઉર્ફે દીપુ સરદાર પોતાના મકાનમાં હેરોઇન સંતાડી ગ્રાહકોને મોડીરાત સુધી છૂટકમાં વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી મકાનની તપાસ કરતાં આરોપી જગદીપસિંગ ઉર્ફે દીપુ ઇન્દ્રજીતસિંગ નાર મળી આવ્યો હતો.
પોલીસે મકાનની ઝીણવટભરી તપાસ કરતાં 3,65,800 રૂપિયાની કિંમતનું 18 ગ્રામ 290 મિલીગ્રામ હેરોઇન મળ્યું હતું. આ ઉપરાંત આરોપીની અંગઝડતીમાંથી રૂ.50,050 રોકડ તથા એક મોબાઇલ ફોન, કિંમત રૂ.5,000, મળી આવ્યા હતા. આમ પોલીસે કુલ રૂ.4,20,850નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કર્યો હતો.
પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, આશરે 15 દિવસ અગાઉ કરોડીયા મસાણી માતાના મંદિર પાસે વડોદરામાં અમૃતસર, પંજાબના બીલ્લાસિંગ પાજી પાસેથી હેરોઇનનો જથ્થો ખરીદ્યો હતો અને ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરવા માટે પોતાના મકાનમાં સંતાડી રાખ્યો હતો. આ અંગે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કેસમાં જગદીપસિંગ ઉર્ફે દીપુ ઇન્દ્રજીતસિંગ નાર (હાલ રહે. ઇન્દીરાનગર, રેલવે ટ્રેકની બાજુમાં, કરચીયા રોડ, વડોદરા, મૂળ રહે. રાજસ્થાન કોલોની, કરચીયા રોડ, બાજવા, વડોદરા)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હેરોઇનનો જથ્થો વેચાણ આપનાર બીલ્લાસિંગ પાજી, રહે. અમૃતસર, પંજાબને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


