કફ શિરપના ગેરકાયદે વેચાણ બદલ સનફાર્મા રોડની એસડી ફાર્મા કંપનીનો પરવાનો કાયમી ધોરણે રદ!!

ગાઝિયાબાદથી ખરીદેલી કોડીનયુક્ત કફ શિરપના બિલમાં ગંભીર ગેરરીતિ ઝડપાઈ

MailVadodara.com - License-of-Sun-Pharma-Roads-SD-Pharma-company-permanently-cancelled-for-illegal-sale-of-cough-syrup

- એસડી ફાર્માએ હરણી રોડ બંધ થયેલી એ.જે.એન્ટરપ્રાઈઝને 1440 બોટલ તેમજ અમદાવાદની એક પેઢીને 7560 બોટલનું વેચાણ દર્શાવી બિલમાં ગંભીર પ્રકારની છેડછાડ કરવામાં આવી


વડોદરા શહેરમાં નશાનો કાળો કારોબાર કરનાર સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વડોદરા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે કેમિસ્ટો દ્વારા પણ તગડો નફો રળી લેવા કોડીનયુક્ત કફ શિરપનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હોવાનું પ્રકાશમાં આવતા સનફાર્મા રોડની એસડી ફાર્મા કંપનીનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો છે. ખોટા બીલો અને બીલો સાથે છેડછાડ કરી ફાર્મા કંપની દ્વારા કોડીનયુક્ત કફ શીરપની 9 હજાર બોટલનું વેચાણ કરવામાં આવ્યું હોવાનું ખોરાક અને ઔષધ નિયમનની તપાસમાં બહાર આવ્યું હતું.

વડોદરા ખોરાક અને ઔષધો નિયમન વિભાગના મદદનીશ કમિશ્નર ડો.એ.એચ.ઝાલાની દોરવણી હેઠળ ઔષધ નિરિક્ષક દ્વારા શહેરના સનફાર્મા રોડ પર એસ.ડી. ફાર્મામાં તપાસ કરવામાં આવી હતી. ફાર્મા કંપનીના માલિક હાર્દિક વિનોદભાઈ શાહ દ્વારા ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ ખાતેથી મહારાજજી એન્ટરપ્રાઈઝમાંથી કોડીનયુક્ત કફ શીરપની 9 હજાર બોટલ ખરીદવામાં આવી હતી. આ ખરીદીના બીલમાં બેચ નંબર, પરવાના નંબર, એક્સપાયરી ડેટ જેવી કોઈ વિગત ના હતી. પેઢીનો પણ કોઈ સંપર્ક નંબર ના હોય આ ઉપજાવી કાઢેલું બીલ હોવાનું જણાવ્યું હતું.


આ પેઢીમાંથી ખરીદેલી બોટલો પૈકી શહેરના હરણી રોડ બંધ થયેલી એ.જે.એન્ટરપ્રાઈઝને 1440 બોટલ વેચવામાં આવી હતી. તેમજ અમદાવાદની એક પેઢીને 7560 બોટલનું વેચાણ દર્શાવી બિલમાં ગંભીર પ્રકારની છેડછાડ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા એસડી ફાર્માને નોટીસ ફટકારવામાં આવી હતી. જેને તેને 17 જુલાઈએ ખુલાસો કર્યો હતો. જો કે એસડી ફાર્મા દ્વારા કરવામાં આવેલો ખુલાસો સંતોષકારક ના હોવાને કારણે પેઢીનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો હતો. કોડીનયુક્ત શીરપનો નશો કરી તેનો વધુ પડતો ઉપયોગ શ્વાસોશ્વાસમાં તકલીફ, હૃદયના ધબકારા ધીમા પડવા, કોમા કે હાર્ટ એટેક જેવી જીવલેણ સ્થિતિ પેદા કરી શકે છે.

Share :

Leave a Comments